મુંબઈ: ઝરુખો કાર્યક્રમમાં ડૉ.જે જે રાવલે બ્રહ્માંડ વિષય પર પ્રકાશ પાથર્યો

મુંબઈ: બોરીવલીમાં ઝરુખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાઈબાબા મંદિર ખાતે આયોજિત પ્રોગામમાં ‘આપણું અદભુત બ્રહ્માંડ ‘ વિષય પર જાણીતા વિજ્ઞાની ડૉ.જે જે રાવલે વક્તવ્ય આપ્યું હતું.

બ્રહ્માંડ શબ્દ બ્રહ્મ ઉપરથી આવ્યો છે .બ્રહ્માંડ તરફ નજર નાખીએ છીએ ત્યારે આપણને એનો ભૂતકાળ જોવા મળે છે કારણ નજીકનો તારો જો ચાર પ્રકાશવર્ષ દૂર હોય તો ત્યાંથી પ્રકાશને અહીં આવતા ચાર વર્ષ લાગે છે એટલે એ તારો ચાર વર્ષ પહેલાં શું હતો, કેવો હતો એ તમે જુઓ છો એવું ડૉ.જે જે રાવલે જણાવ્યું હતું. બ્રહ્માંડની સરખામણીમાં તમે જ્યારે આ વસ્તુ નાની કે મોટી એમ કહો છો એ એક ભ્રમ છે. કપડું માપીએ ત્યારે એક મીલીમીટર ઓછું વધતું થાય તો કંઈ ફરક પડતો નથી પણ તમે ન્યુક્લિયસ માટે જો એક મિલીમીટરનો ફરક ગણો તો એ એક અબજ ગણો વધી જાય છે.

સમયને આપણે સમજ્યાં નથી. ગીતામાં કૃષ્ણ કહે છે કે હું કાળ છું. કાળ બ્રહ્માંડને સર્જે છે, પરિમાણ બ્રહ્માંડને સર્જે છે. બ્રહ્માંડને આપણા ભારતીય ઋષિઓ બહુ સારી રીતે સમજ્યા હતા. સૂર્ય પરના લાંછનની વાત પણ વેદોમાં છે. બ્રહ્માંડમાં સો બિલિયન ગેલેક્સી છે. પાંચસોથી હજાર અબજ તારા છે અને આ તારાઓ એટલા બધા દૂર છે કે આપણને જાણ થતી નથી કે ત્યાં જીવન છે કે નહિ.આ બ્રહ્માંડમાં 500 અબજ સૂર્ય છે અને બે તારા વચ્ચે 45 અબજ કિલોમીટર સુધીનું અંતર છે. હજી આપણે આપણી ગેલેક્સીની પણ બહાર નીકળી નથી શક્યા .સૂર્યની જ્વાળા દસ લાખ કિલોમીટરની લંબાઈની હોય છે .વિવિધ દેશો જે યાન મોકલે છે એ ઘણા વર્ષો સુધી ડેટા ભેગો કરે છે અને ઘણો સમય એના પરના અભ્યાસ પછી એનું પેપર બહાર પાડવામાં આવે છે .

આપણે ધર્મ અને સંપ્રદાયમાં વહેંચાઈ ગયા છીએ પરંતુ મૂળ તો મંદિરો, મસ્જિદ, ગુરુદ્વારાને બદલે આપણે વિજ્ઞાનને સાચવવાનું છે. આપણે નવી પેઢીને માતૃભાષા અને સંસ્કૃત પણ શીખવવું જોઈએ એવું રાવલસાહેબે કહ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા એ કર્યું હતું . રાજકોટ, ભૂજ અને લૂણાવડા પાસે મેઘજીના મૂવાડા પાસે ઓબ્ઝર્વેટરી સ્થાપવા માટે રાવલસાહેબની પ્રતિબદ્ધતાની એમણે પ્રશંસા કરી હતી. ડૉ.જે જે રાવલ સાથે શ્રોતાઓએ પ્રશ્નોત્તરી કરીને પોતાની જીજ્ઞાસા સંતોષી હતી. વેદ ઉપનિષદમાં બ્રહ્માંડના સંદર્ભ સમજાવતું ડૉ.જે જે રાવલનું એક દળદાર પુસ્તક પ્રકાશિત થવામાં છે.