નવી દિલ્હીઃ જનગણતરી 2027 દેશની પ્રથમ સંપૂર્ણ રીતે ડિજિટલ જનગણતરી હશે. જનગણતરી કામમાં લાગેલા આશરે 34 લાખ લોકો પોતાના સ્માર્ટફોન અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરશે. આ એપ્લિકેશન અંગ્રેજી ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે.
રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI) દ્વારા નિયુક્ત ગણનાકર્તા અને ઇનવિજિલેટર ડેટા એકત્ર કરવા માટે પોતાના મોબાઇલ અને ડિવાઇસનો ઉપયોગ કરશે અને તેને મોબાઇલ એપ્લિકેશન મારફતે કેન્દ્રીય સર્વર પર ટ્રાન્સફર કરશે. આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને ઓપરેટિંગ સિસ્ટમ માટે અંગ્રેજી તેમ જ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે, એમ અહેવાલ કહે છે.
મોબાઇલ એપ 2021ની જનગણતરી માટે
આ એપ્સ મૂળ 2021ની જનગણતરી માટે બનાવવામાં આવી હતી, પરંતુ હવે મોબાઇલ ફોન અને ઓપરેટિંગ સિસ્ટમના ટેક્નિકલ અપગ્રેડને ધ્યાનમાં રાખીને ફરી વિકસાવવામાં આવી રહ્યા છે. જો કોઈ કારણસર ગણનાકર્તા કાગળ પર માહિતી એકત્ર કરે તો તેને સમર્પિત વેબ પોર્ટલ પર નોંધવી પડશે, જેથી પછી સ્કેનિંગ કે ડેટા એન્ટ્રી કરવાની જરૂર ન પડે. તેનો અર્થ એ છે કે જનગણતરીના આંકડા પહેલી વાર શરૂઆતના તબક્કે જ ડિજિટલ થશે, જેને કારણે સમયસર માહિતી ઉપલબ્ધ થશે.
મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ બંને તબક્કામાં
મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ જનગણતરી 2027ના બંને તબક્કામાં થશે. હાઉસ લિસ્ટિંગ અભિયાન (એપ્રિલથી સપ્ટેમ્બર 2026) અને વસતિ ગણતરી (ફેબ્રુઆરી 2027થી આખા દેશમાં, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સિવાય). આવનારી જનગણતરીમાં પરિવારના સભ્યોની જાતિઓની ગણતરી થશે અને લોકોને સ્વ-ગણતરી કરવાનો વિકલ્પ પણ મળશે.
હાઉસ લિસ્ટિંગ દરમિયાન, રહેઠાણની સ્થિતિ, ઘરગથ્થુ સુવિધાઓ અને પરિવારો પાસે રહેલી મિલકતોનું વર્ણન એકત્ર કરવામાં આવશે. જનગણતરી 2027માં પ્રથમ વખત બધાં જ મકાનો – રહેણાક તેમ જ બિન-રહેણાકનું જિયો-ટેગિંગ પણ કરવામાં આવશે. RGI વાસ્તવિક સમયમાં દેખરેખ અને મેનેજમેન્ટ માટે એક વેબસાઇટ પણ વિકસાવી રહ્યું છે. RGI એ જનગણના માટે રૂ. 14,618.95 કરોડના બજેટની માગ કરી છે.
