વધુ એક વાવાઝોડાનું એલર્ટ: અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર ક્ષેત્ર સક્રિય થયું છે, જેના પરિણામે વધુ એક નવા ચક્રવાતી વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ ચક્રવાતના પ્રભાવને કારણે ઓડિસા અને આંધ્રપ્રદેશ સહિતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. બંગાળની ખાડી તથા તેની સાથે જોડાયેલા અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને અંદમાન સમૂહ ઉપર હવાનું હળવું દબાણ સર્જાયું છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ત્યારબાદ તે વધુ ઉગ્ર બનીને ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થશે. આ આગામી 2 નવેમ્બરની આસપાસ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચશે. આ નવા ચક્રવાતના આગમનને કારણે હવામાનના મિજાજમાં પલટો આવશે અને અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આના પ્રભાવથી 2 નવેમ્બરના રોજ તટીય આંધ્રપ્રદેશ અને યનમમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે 3 નવેમ્બરે પણ ભારે વરસાદ ચાલુ રહેશે. આ ઉપરાંત 2 અને 3 નવેમ્બરે રાયલસીમામાં તેમજ 3 અને 4 નવેમ્બરે ઓડિસામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ભારતમાં 31 ઓક્ટોબરથી 6 નવેમ્બર વચ્ચે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ ખાતે, 31 ઓક્ટોબર તથા 3 થી 4 નવેમ્બર દરમિયાન કેરળ અને માહે ખાતે, 1 થી 6 નવેમ્બર દરમિયાન લક્ષદ્વીપમાં, 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર તથા 4 થી 6 નવેમ્બર વચ્ચે તટીય આંધ્રપ્રદેશ, યનમ, તટીય કર્ણાટક, રાયલસીમા અને તેલંગાણામાં છૂટોછવાયો વરસાદ નોંધાશે. 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર તથા 5 થી 6 નવેમ્બર દરમિયાન ઉત્તર આંતરિક કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ વરસાદની સંભાવના છે. તારીખ 2 થી 4 નવેમ્બર દરમિયાન તટીય આંધ્રપ્રદેશ, યનમ અને રાયલસીમામાં તથા 2 અને 3 નવેમ્બરે તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડું ફૂંકાવા, વીજળી પડવા અને તેઝ પવન ફૂંકાવવાની સંભાવના છે. આ સિવાય 1 થી 4 નવેમ્બર દરમિયાન કેરળ, માહે, ઉત્તર અને દક્ષિણ આંતરિક કર્ણાટક તેમજ 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન તટીય આંધ્રપ્રદેશ, યનમ અને રાયલસીમામાં અને 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર તથા 4 નવેમ્બરે તેલંગાણામાં તેઝ પવનો ફૂંકાશે.

પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદનું એલર્ટ

આ ઉપરાંત, પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 31 ઓક્ટોબરના રોજ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ભારે વરસાદ પડશે. 1 થી 6 નવેમ્બર દરમિયાન અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર વચ્ચે ગાંગેય પશ્ચિમ બંગાળ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં, 31 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન ઝારખંડમાં તથા 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન બિહારમાં અને 6 નવેમ્બર સુધી ઓડિસામાં વરસાદી માહોલ રહેશે. આ દરમિયાન ઓડિસામાં 3 અને 4 નવેમ્બરે કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડવાની ચેતવણી છે. બીજી તરફ ઉત્તર ભારતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનો દોર યથાવત છે અને આગામી કેટલાક દિવસો સુધી તેની અસર જોવા મળશે, જેના ભાગરૂપે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.