નવી દિલ્હીઃ વકફ સુધારા બિલને દેશમાં રાજકીય જંગની વચ્ચે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. બંને નેતાઓએ આ બિલની વિરુદ્ધ અલગ-અલગ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.
કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે વક્ફ સુધારા બિલ સામે સુપ્રીમ કોર્ટનો સહારો લીધો છે. તેમણે બિલને પડકારતી કોર્ટમાં અરજી દાખલ કરી છે. મોહમ્મદ જાવેદ બિહારના કિશનગંજથી કોંગ્રેસના સાંસદ છે. મોહમ્મદ જાવેદ વકફ અંગે રચાયેલી JPCના સભ્ય પણ રહી ચૂક્યા છે.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ બિલ મુસ્લિમોના અધિકારો સાથે ભેદભાવ કરશે. આ સુધારા બિલ બંધારણના અનુચ્છેદ 19 હેઠળ સમાનતાના અધિકાર, અનુચ્છેદ 25 અને 26 હેઠળ ધર્મ અને ધાર્મિક પ્રવૃત્તિઓનું પાલન અને સંચાલન કરવાનો અધિકાર અને અનુચ્છેદ 29માં આપવામાં આવેલા લઘુમતીઓના અધિકારોના રક્ષણનું ઉલ્લંઘન કરે છે.
ગૃહપ્રધાન અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે જો 2013નો સુધારો પસાર ન થયો હોત તો આજે આ સુધારો લાવવાની જરૂર ન પડી હોત. કોંગ્રેસ સરકારે દિલ્હી લુટિયન્સની 125 મિલકતો વકફને આપી દીધી. તેમણે કહ્યું હતું કે 2013માં તુષ્ટિકરણ માટે રાતોરાત વકફને અતિક્રમી દેવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશમાં, વકફ મિલકત તરીકે જાહેર કરાયેલી જમીન પર ગેરકાયદે મસ્જિદો બનાવવામાં આવી હતી. તામિલનાડુમાં, 1500 વર્ષ જૂના મંદિરની જમીન વકફને આપવામાં આવી હતી.
બીજી બાજુ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ આ બિલ સામે પોતાનો સખત વાંધો વ્યક્ત કર્યો છે. AIMPLBના પ્રવક્તા ડો. સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસે બિલની નિંદા કરી અને કહ્યું હતું કે જો આ બિલ સંસદમાં પસાર થશે, તો અમે તેની સામે દેશવ્યાપી આંદોલન શરૂ કરીશું. અમે ચૂપ નહીં બેસીએ. અમે અમારી પાસે ઉપલબ્ધ તમામ કાનૂની અને બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ કરીશું.
