CM ભૂપેન્દ્ર પટેલે વરસાદની સ્થિતિની અંગેની સમીક્ષા કરી

રાજ્યભરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. અવિરત વરસાદના પગલે ઠેર ઠેર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક શહેરો નદી બની ગયા છે. ત્યારે મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય, અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે તેમણે જાયજો મેળવ્યો હતો.જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તુરંત જ માટી-કાંપની સફાઈ, જંતુનાશક દવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામો અગ્રતાએ ઉપાડવા સૂચનાઓ આપી હતી. જિલ્લા તંત્ર વાહકોની સતર્કતા અને સંકલનને પરિણામે આપણે વ્યાપક નુકશાન અટકાવી શક્યા છીએ તેમ જણાવ્યું હતું. આવનારા દિવસોમાં વધુ વરસાદ પડે તો પણ આજ સતર્કતા સાથે કાર્યરત રહેવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું.

આગોતરા આયોજન માટે પણ સૂચનો કર્યા

મુખ્યમંત્રીએ સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં રહીને ઓછામાં ઓછું નુકશાન થાય તેવા આગોતરા આયોજન માટે પણ સૂચનો કર્યા હતા. વરસાદને પરિણામે રાજ્યના જે વિસ્તારોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે ત્યાં યુદ્ધના ધોરણે મરામત કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા તંત્ર કામે લાગ્યું છે તેની પણ વિગતો મેળવી હતી. માર્ગોને થયેલા નુકસાન, બંધ થયેલા માર્ગો ત્વરાએ પુનઃવાહન વ્યવહારયુક્ત બને તે માટે ઝાડ-થાંભલા વગેરેની આડશો હટાવવા જે.સી.બી સહિતની મશીનરી કામે લગાડવા તેમણે માર્ગ-મકાન વિભાગને સૂચનાઓ આપી હતી.