મહિલાઓ અને બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેટલાક કેન્દ્રીય મંત્રાલયોને જાહેર સ્થળોએ સ્તનપાન કરવવવા અને કપડાં બદલવાના રૂમ બનાવવાનો આદેશ આપ્યો છે. આ પગલું માતાઓની સુવિધા માટે અને જાહેર સ્થળોને વધુ સુલભ બનાવવા માટે લેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે મહિલાઓ અને બાળકોની સુવિધા માટે એક મોટો નિર્ણય લીધો છે.
મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેટલાક કેન્દ્રીય મંત્રાલયોને જાહેર સ્થળોએ સ્તનપાન અને કપડાં બદલવાના રૂમની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે, જેથી માતાઓને તેમના બાળકોની સંભાળ રાખવામાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, રેલ્વે બોર્ડ અને રાજ્ય સરકારોને પત્ર લખ્યો છે કે જાહેર સ્થળોએ મહિલાઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે આ વ્યવસ્થા ખુબ જરૂરી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશના 312 એરપોર્ટ પર ફીડિંગ અને ચેન્જિંગ રૂમ બનાવવામાં આવ્યા છે. આમાંથી 164 એરપોર્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) હેઠળ છે અને આ સુવિધાઓ 148 નોન-AAI એરપોર્ટ પર પૂરી પાડવામાં આવી રહી છે
તો બીજી તરફ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે માહિતી આપી હતી કે આ સુવિધાઓ 26 બસ સ્ટેશન (તેલંગાણા), 2 (કોઇમ્બતુર, તમિલનાડુ) અને 50 બસ સ્ટેન્ડ (ઉત્તર પ્રદેશ) પર કાર્યરત છે. દિલ્હી, ગોવા, ચંદીગઢ અને મેઘાલય સહિત અન્ય ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ આ દિશામાં કામ ચાલી રહ્યું છે.
