મુંબઈ – ઓનલાઈન રેસ્ટોરન્ટ ગાઈડ અને ફૂડ ઓર્ડરિંગ કંપની ઝોમેટોએ કહ્યું છે કે તે એનાં ડિલીવરી વાહનોનાં કાફલામાંના 40 ટકા વાહનોને આવતા બે વર્ષની અંદર ઈલેક્ટ્રિકથી ચાલતી બાઈસીકલ્સમાં કન્વર્ટ કરશે.
હાલ દેશના મુંબઈ સહિત 12 શહેરોમાં કંપનીનાં 5000થી વધુ સાઈકલિસ્ટ્સ છે. મોટા ભાગનો કાફલો દિલ્હીમાં છે.
આ કંપની દેશભરમાં 150 શહેરોમાં ફૂડ ડિલીવરી સેવા પૂરી પાડે છે. એ માટે એણે દોઢ લાખ જણ સાથે ભાગીદારી કરી છે. ઝોમેટોએ બાઈસીકલ-શેરિંગ અને ઈલેક્ટ્રિક બાઈસીકલ સ્ટાર્ટઅપ્સ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે, જેમ કે મોબીસાઈ, ઈ-હિરન, ટીએનટી, યુલુ, ઝૂમકારની PEDL.
ઈ-સાઈકલ (ઈલેક્ટ્રિકથી ચાલતી બાઈક્સ)નો વિકલ્પ અપનાવવા માટે કંપની એનાં વેન્ડર ભાગીદારો સાથે વાટાઘાટ કરી રહી છે. હવે એનો લક્ષ્યાંક કાફલામાંની 40 ટકા સાઈકલોને આવતા બે વર્ષની અંદર ઈલેક્ટ્રિક-બાઈક્સમાં પરિવર્તિત કરવાનો છે.