સરકારને ડિવિડન્ડના 28 હજાર કરોડ રૂપિયા આપશે RBI

નવી દિલ્હી- કેન્દ્ર સરકાર આરબીઆઈ પાસે વર્ષોથી જમા થઈ રહેલા વધારાના નાણાંના એક હિસ્સાની માગ કરી છે. કેન્દ્ર આ હિસ્સાને એક્સેસ રિઝર્વ્સ એટલે કે જરૂરીયાત કરતા વધારાનું ભંડાર કહે છે. રિઝર્વ બેંક પાસે કેટલી રિઝર્વ હોવી જોઈએ તે અંગે વિચારણા માટે પૂર્વ આરબીઆઈ ગવર્નર વિમલ ઝાલાનની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી. આગામી 31 માર્ચ સુધીમાં આ કમિટીનો રિપોર્ટ આવે તેવી શક્યતા છે. સરકારની દલીલ  છે કે, આરબીઆઈ પાસે અન્ય દેશોની સેન્ટ્રલ બેંકોની સરખામણીએ વધુ રિઝર્વ છે.

નાણા મંત્રાલયે રિઝર્વ બેન્ક પાસેથી 27,380 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ માગ્યું હોવાનું સૂત્રોએ કહ્યું હતું. આરબીઆઈએ વર્ષ 2016-17માં 13,190 કરોડ રૂપિયા રિસ્ક અને સરપ્લસ પેટે પોતાની પાસે રાખ્યા હતા. 2017-18માં 14,190 કરોડ રૂપિયા આ હેતુ માટે પોતાની પાસે રાખ્યા હતા. બન્ને વર્ષની કુલ રકમ 27,380 કરોડ રૂપિયા થાય છે. .

મંત્રાલયે આરબીઆઈને અગાઉની આ વધારાની રકમ અને ચાલુ વર્ષ માટે વચગાળાના સરપ્લસની રકમ મળીને કુલ જોગવાઈ કરવા કહ્યું છે.

અગાઉ આ મહિને આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે કહ્યું હતું કે સરકારને આશા છે કે આરબીઆઈ સરકારને વચગાળાનું 28,000 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવે. આરબીઆઈએ ચાલુ વર્ષે 40,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. જો આરબીઆઈ બોર્ડ સરકારની આ માગણી સ્વીકારશે તો ચાલુ વર્ષે કુલ 68,000 કરોડ રૂપિયાની ચૂકવણી તે સરકારને કરશે.

વર્તમાન મૌદ્રિક નીતિની સમીક્ષાની જાહેરાત બાદ આરબીઆઈ ગવર્નર શશિકાંત દાસે કહ્યું કે, સરકાર અને આરબીઆઈ વચ્ચે કેટલાક મુદ્દાઓ પર વાતચીત ચાલી રહી છે. આરબીઆઈનો કોઈ પણ નિર્ણય સિદ્ધાંતો અને એકાઉન્ટિંગના નિયમો પર આધારિત હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]