નવી દિલ્હી- ગત સપ્તાહે ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમત ઘટીને 72 રૂપિયા થઈ ગઈ છે. ચીની ચલણ યુઆનમાં અચાનક આવેલા ઘટાડાને કારણે વિશ્વની અર્થવ્યવસ્થામાં અસ્થિરતા જોવા મળી રહી છે. જાણકરોનું કહે છે કે, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટથી મોટા પ્રમાણમાં નિકાસ અને ચીન-અમેરિકા વચ્ચે વધતા જતાં ટ્રેડ વોરની અસર રૂપિયા સહિત તમામ દેશોના ચલણ પર પડી છે. ગત સપ્તાહ એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સીમાં રૂપિયો ટોચ પર હતો.
રૂપિયામાં આવેલા ઘટાડાની અસર તમારી આંતરાષ્ટ્રીય ટૂર પર પડી શકે છે. યાત્રા ખર્ચ 3થી 10 ટકા સુધી વધી શકે છે. મુખ્યપ્રભાવ વિદેશ યાત્રા દરમિયાન કરવામાં આવતા ખર્ચ પર પડે છે. જોકે, આ બધી બાબતો એ વાત પર આધાર રાખે છે કે, તમે કયાં દેશના પ્રવાસે જઈ રહ્યા છો. જો તમે એવા દેશમાં જઈ રહ્યાં છો જેની કરન્સી સારી સ્થિતિમાં છે તો, ત્યાં ભારતીય રૂપિયાની ઓછી કિંમત મળશે. તેની સામે જો તમે એવા દેશના પ્રવાસે જઈ રહ્યાં છો જ્યાંની કરન્સી સારી સ્થિતિમાં નથી તો ભારતીય ચલણની સારી કિંમત મળી શકે છે.
શું કરવું જોઈએ.
ડોલર સામે લથડતા રૂપિયાને પગલે જો તમારે નુકસાનથી બચવું હોય તો, તમે કેટલાક પગલા લઈ શકો છો. કોઈ પણ વિદેશ પ્રવાસની તારીખના ત્રણ મહિના પહેલા જ બુકિંગ કરાવી દો, એવી જગ્યા પસંદ કરો જ્યાં તમને ભારતીય ચલણની સારી કિંમત મળે. સારા ફ્લાઈટ ડિસ્કાઉન્ટ માટે બુધવારે સવારે એર ટિકિટનું બુકિંગ કરાવો. તમારે કરન્સીને બે વખત કન્વર્ટ કરાવવાથી બચવું જોઈએ. એટલે કે, રૂપિયામાંથી ડોલરમાં અને ડોલરમાંથી અન્ય કરન્સીમાં કન્વર્ટ કરવાથી નુકસાન થઈ શકે છે. પ્રયત્ન કરો કે ફોરેક્સ કાર્ડને ઓનલાઈ ખરીદો જેથી ફી માં બચત થઈ શકે.