રખડતા કૂતરાઓની સમસ્યા દૂર કરવા કડક નીતિ અપનાવવા સરકારને વેપારીઓનો અનુરોધ

મુંબઈઃ અમદાવાદમાં ‘વાઘ બકરી ચા’ કંપનીના માલિક પરાગ દેસાઈનું તાજેતરમાં રસ્તે રખડતા કૂતરાના હુમલાને કારણે થયેલા આકસ્મિક મૃત્યુને પગલે વેપારીજગતમાં ઘેરો શોક છવાઈ ગયો છે. વેપારીઓના રાષ્ટ્રીય સ્તરના બે સંગઠને રખડતા કૂતરાઓને કારણે માનવીઓના જાન પર વધી ગયેલા જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ, મહારાષ્ટ્રના મહામંત્રી અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ શંકર ઠક્કરે આ ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે કૂતરાઓની આ સમસ્યાને દૂર કરવા માટે તે કોઈક કડક નીતિ ઘડે અને તેનો કડક રીતે અમલ કરવાનો રાજ્ય સરકારોને આદેશ આપે. સરકારને આવી વિનંતી કરવા પાછળનો હેતુ પરાગ દેસાઈના મૃત્યુ જેવી ઘટના ભવિષ્યમાં ફરીવાર બનતી રોકવાનો અને કૂતરાઓના હુમલા સામે માનવીઓને રક્ષણ આપવાનો છે. એક અહેવાલ મુજબ, ભારતમાં અંદાજે 3 કરોડ પાલતુ કૂતરાઓ છે અને સાડા ત્રણ કરોડ જેટલા રખડતા કૂતરાઓ છે. રસ્તાઓ પર મોટી સંખ્યામાં રખડતા કૂતરાઓની ઉપસ્થિતિ અનિયમિત છે અને એને લીધે લોકોની સલામતી વિશે ચિંતા સર્જાઈ છે. ભારતમાં આવા જનાવરોની સ્વાસ્થ્ય સંભાળ અને નિયંત્રણ માટે અસરકારક પદ્ધતિઓનો અભાવ પ્રવર્તે છે અને તેના પરિણામ વધી રહ્યા છે. રખડતા કૂતરાઓ ઘણી વાર ટોળામાં હોય છે અને ઘણા જ આક્રમક બની ગયા હોય છે.

ઉલ્લેખનીય છે કે, 49 વર્ષીય પરાગ દેસાઈ ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. ગયા રવિવારની સાંજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં એમનું અવસાન થયું હતું. ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડની ‘વાઘ બકરી ચા’ બ્રાન્ડ લોકપ્રિય છે. દેસાઈ ગઈ 15 ઓક્ટોબરના રોજ તેમના ઘર નજીક ઈસ્કોન આંબલી રોડ પાસે મોર્નિંગ વોક માટે ગયા હતા ત્યારે કોઈક રખડતા કૂતરાએ હુમલો કરતાં તેઓ રસ્તા પર પડી ગયા હતા. એમને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે બ્રેઈન હેમરેજ થયું હતું. એમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં એમની તબિયત બગડતાં અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, દેસાઈ પર તરત જ સર્જરી કરવામાં આવી હતી અને સાત દિવસ માટે એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આખરે ગયા રવિવારે સાંજે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે એમણે જીવ ગુમાવ્યો હતો.