નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં મંગળવારના સવારના ટ્રેડિંગ સેશનમાં ક્રૂડ ઓઇલ ફ્યુચર્સમાં ઉછાળો આવ્યો હતો. યુક્રેન સામે ભીષણ યુદ્ધ જારી રાખતાં રશિયા પર વધુ આર્થિક પ્રતિબંધો લદાવાની શક્યતાએ અને ક્રૂડની સપ્લાય ચેઇન ખોરવાવાની શક્યતાએ કિંમતમાં ઉછાળો આવ્યો હતો. બીજી બાજુ, વિયેનાની ઇરાન સાથે ન્યુ ક્લિયરની વાટાઘાટ ઠપ થઈ ગઈ હતી. ઇરાને આ વાટાઘાટ અટકવા માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું હતું.
વૈશ્વિક ક્રૂડ બજારમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ પ્રતિ બેરલ 1.58 ડોલર વધીને 109.11 ડોલરે પહોંચ્યું હતું. જ્યારે અમેરિકી વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ ફ્યુચર્સ હાજરમાં પ્રતિ બેરલ 1.61 ટકા વધીને 104.89 ડોલર બોલાતું હતું. જાપાનના ઓદ્યૌગિકપ્રધાન કોઇચી હેગુઇડાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સી (IEA) ઓઇલને બજારમાં છૂટું કરવા માટે કામ કરી રહી છે, જેથી બંને કોન્ટ્રેક્ટ્સમાં પ્રતિ બેરલ બે ડોલરનો ઉછાળો આવ્યો હતો. રશિયા સામે વધુ આર્થિક પ્રતિબંધો લદાવાની દહેશતે સોમવારે ક્રૂડ ઓઇલનું ફ્યુચર ત્રણ ટકા વધ્યું હતું.
ભારતીય જાહેર કંપની મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિ.એ રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે ઓફર થતાં 10 લાખ બેરલની ખરીદી કરી હતી.
બીજી બાજુ વૈશ્વિક ક્રૂડ ઓઇલ ટ્રેડ અનિશ્ચિતભર્યા માહોલમાં વિકસિત અર્થતંત્રો અને વિકાસશીલ બજારો વચ્ચે સ્થિર થવા મથી રહ્યું છે, એમ મેનેજિંગ કન્સલ્ટન્ટી વૂડ મેકેન્ઝીના એલેક્સ સને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે EUના સભ્ય દેશો, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત વિકસિત અર્થતંત્રો પ્રતિદિન 6,50,000 બેરલ ઠાલવી કરી રહ્યા છે. જોકે મધ્ય-પૂર્વમાં આટલી ખરીદી ચીન અને ભારત કરતાં હોય છે.