નવી દિલ્હી– ડીસેમ્બર મહિનામાં જિઓના 4Gની ડાઉનલોડ સ્પીડ લગભગ આઠ ટકા ઘટી ૧૮.૭ મેગાબીટ પ્રતિ સેકન્ડ નોંધાઈ હોવા છતાં ટેલીકોમના નિયમનકારના અહેવાલ અનુસાર સતત ૧૨’માં મહીને રીલાયન્સ જિઓ દેશની સૌથી વધુ ડાઉનલોડ સ્પીડ ધરાવતી મોબાઈલ સેવા બની હતી. જિઓના નેટવર્ક ઉપર નવેમ્બર મહિનામાં સરેરાશ ૨૦.૩ મેગાબીટ પ્રતિ સેકન્ડ ડાઉનલોડ (mbps) સ્પીડ જોવા મળી હતી.
ડીસેમ્બર મહિનામાં ભારતી એરટેલના 4G નેટવર્કની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો અને ડાઉનલોડ સ્પીડ નવેમ્બરના ૯.૭ mbps સામે વધી ૯.૮ mbps જોવા મળી હતી.
ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)ના માયસ્પીડ પોર્ટલ અનુસાર વોડાફોન અને આઈડિયા મર્જ થયા પછી પણ તેની ડાઉનલોડ અલગ અલગ જ દર્શાવવામાં આવે છે. વોડાફોનના નેટવર્ક ઉપર નવેમ્બરના ૬.૮ mpbs સામે 4G ડાઉનલોડ સ્પીડ ઘટી ડીસેમ્બરમાં ૬.૩ mpbs જોવા મળી હતી જયારે આઈડિયાની સ્પીડ ૬.૨ mbps સામે ઘટી ૬ mbps રહી હતી.
જોકે, આઈડિયાના નેટવર્કમાં થોડો ઘટાડો જોવા મળ્યો હોવા છતાં અપલોડ સ્પીડમાં તે પ્રથમ ક્રમે રહ્યું હતું. આઈડિયાના નેટવર્ક ઉપર અપલોડની સરેરાશ સ્પીડ ડીસેમ્બરમાં ૫.૩ mbps જોવા મળી હતી જે નવેમ્બરમાં થોડી વધારે એટલે કે ૫.૬ mpbs હતી.
જો કે, ડાઉનલોડ સ્પીડ વધારે મહત્વની છે કારણ કે તેનાથી ગ્રાહક વિડીયો, કે ઇન્ટરનેટ ઉપર કામગીરી કરવી, ઈ-મેઈલ કરવા જેવી કામગીરી કરવામાં ગ્રાહકને વધારે ઝડપી મોબાઈલ સેવા આપે છે. જયારે ગ્રાહક કોઈને ફોટોગ્રાફ્સ, વિડીયો કે અન્ય કોઈ કન્ટેન્ટ મોકલે ત્યારે અપલોડ સ્પીડ વધારે મહત્વની કામગીરી કરે છે.
વોડાફોનની અપલોડ સ્પીડ ડીસેમ્બરમાં થોડી સુધરી ૫.૧ mpbs જોવા મળી હતી જયારે જિઓની સ્પીડ નવેમ્બરના ૪.૫ mpbs સામે ઘટી ૪.૩ mpbs રહી હતી. એરટેલની સ્પીડ પણ થોડી ઘટી ૩.૯ mbps રહી હતી.
ડાઉનલોડ અને અપલોડમાં જિઓ અને આઈડિયાએ પોતાનો પ્રથમ ક્રમાંક છેલ્લા ઘણાં મહિનાથી જાળવી રાખ્યો છે. રીઅલ ટાઈમ ધોરણે માયસ્પીડ એપ્લિકેશન ડેટા કલેક્ટ કરી ટ્રાઈ દ્વારા યોગ્ય પૃથક્કરણના આધારે સરેરાશ અપલોડ કે ડાઉનલોડ સ્પીડનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે.