નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી એરટેલ અને વોડોફોન આઈડિયાના પ્રીપેડ ગ્રાહકોને આ કંપનીઓ દ્વારા એક મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. આ મેસેજમાં ગ્રાહકોને કહેવાઈ રહ્યું છે કે કંપનીઓની સેવા ચાલુ રાખવા માટે તેમણે એક નક્કી સમયગાળામાં રિચાર્જ કરાવવું પડશે. ત્યારે મેસેજ મળ્યા બાદ ઘણા ગ્રાહકોએ ફરિયાદ કરતા કહ્યું છે તેમના અકાઉન્ટમાં પર્યાપ્ત બેલેન્સ હોવા છતા પણ તેમને આ પ્રકારના મેસેજ મળે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બંન્ને કંપનીઓએ પોતાના માર્જિનને વધારવા માટે 35 રુપિયાથી શરુ થઈ રહેલા મિનિમમ મંથલી રીચાર્જ પ્લાનને લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ ટેલિકોમ ટ્રાઈએ એરટેલ અને વોડાફોન-આઈડિયાને પત્ર લખ્યો છે. ટ્રાઈએ પોતાના પત્રમાં કહ્યું છે કે બંન્ને કંપનીઓ 3 દિવસની અંદર પોતાના સબ્સક્રાઈબર્સને જણાવે કે તેમના વર્તમાન પ્લાનની વેલીડિટી ક્યારે પૂરી થઈ રહી છે.
ટ્રાઈએ બંન્ને કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે તે ગ્રાહકોને જણાવે કે પ્રીપેડ અકાઉન્ટ બેલેન્સનો પ્રયોગ કરીને મિનિમમ રીચાર્જ પ્લાન સહિત અન્ય ઉપ્લબ્ધ પ્લાન્સનો ફાયદો કેવી રીતે ઉઠાવવામાં આવે. તો આ સાથે જ ટ્રાઈએ એરટેલ અને વોડાફોન આઈડિયાને જણાવ્યું છે કે તેના નિર્દૈશોનું પાલન થવા સુધી કંપનીઓ તે ગ્રાહકોની સેવાઓ બંધ ન કરે, જેના અકાઉન્ટમાં મિનિમમ રિચાર્જ અમાઉન્ટ બરાબર બેલેન્સ છે.