ટ્રાઈની નવી પોલિસીના વિરોધમાં ટેલિકોમ કંપનીઓ સંપી ગઇ

નવી દિલ્હી: રિલાયન્સ જિયો અને તેની પ્રતિસ્પર્ધી ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ ટેરિફ પ્લાનમાં ટ્રાન્સ્પરન્સીનો વિરોધ કર્યો છે. હકીકતમાં ત્રણેય કંપનીઓ ટ્રાઈના યૂઝર સ્પેસિફિક ટેરિફ પ્લાન પોતાની વેબસાઈટ પર પ્રદર્શિત કરવા નથી માગતી. કંપીઓનું કહેવું છે કે, હાલમાં ઓફર ન કરવામાં આવી રહ્યા હોય, પણ જૂના ગ્રાહકોને તેનો લાભ મળતો હોય તેવી ઓફર અને નવી ઓફરોને એક સાથે દર્શાવવાથી ગુંચવાડો ઊભો થશે. અને ગ્રાહકોની ફરિયાદમાં વધારો થશે.

મહત્વનું છે કે, ભૂતકાળમાં એરટેલ અને વોડાફોન આઈડિયા ટેરિફ પ્લાન્સમાં ટ્રાન્સ્પરન્સી મામલે જિયો સામે ટક્કર આપવા કેટલીક યૂઝર સ્પેસિફિક ઓફર રજૂ કરી હતી. આ કંપનીઓનું કહેવું હતું કે, કેટલીક ઓફરો, ખાસ કરીને ગ્રાહકોને જાળવી રાખવા અપાતી કાઉન્ટર-ઓફરો સ્પર્ધાત્મક લાભના રક્ષણ માટે જાહેર ન કરવી જોઈએ. તે સમયે રિલાયન્સ જિયો બધા પ્લાન કોમન પ્લેટફોર્મ પર જાહેર કરવા માટે લડી રહી હતી. અને તેમણે યૂઝર સ્પેસિફિક પ્લાન્સના સ્થાને પ્રમોશનલ ઓફર્સ લોન્ચ કરી હતી. જોકે, હવે આ ત્રણેય કંપનીઓ બધા ટેરિફ પ્લાન જાહેર કરવાની ટ્રાઈની પોલિસીનો વિરોધ કરી રહી છે.

ટ્રાઈને કરેલી રજૂઆતમાં જિયોએ કહ્યું છે કે, જૂના-નવા પ્લાન એકસાથે દર્શાવવાથી જે પ્લાન નવા ગ્રાહકો માટે ઉપલબ્ધ નહીં હોય તેને લઈને ગ્રાહકોમાં ભ્રમ પેદા થશે અને ફરિયાદો વધશે. જિયોએ કહ્યું કે, બની શકે કે ગ્રાહકોને જૂનો પ્લાન પસંદ આવે અને તે ન મળવાને કારણે ઓથોરિટીને ફરિયાદ કરે.

ભારતી એરટેલે પણ કહ્યું કે, જે હાલમાં ઓફર નથી કરાઈ રહ્યા તેની સાથે બધા પ્લાન્સ દર્શાવવાથી ગ્રાહકો નારાજ થશે અને જે પ્લાન હાલ બંધ કરી દેવાયા છે, તેની પૂછપરછ માટે વધારે કોલ આવવાને પગલે ટેલ્કો કોલ-સેન્ટર્સની સર્વિસની ગુણવત્તા પર પ્રભાવ પડશે. વોડાફોન-આઈડિયાએ પણ આ બંનેનું સમર્થન કરતા કહ્યું કે, જે પ્લાન બંધ કરી દેવાયા છે, તેની માહિતી પબ્લિશ કરવાથી જગ્યા અને રૂપિયા બગડશે અને ગ્રાહકોમાં બિનજરૂરી નારાજગી ઉત્પન્ન થઈ શકે છે. જોકે આ મામલે ટ્રાઈ કેવું વલણ દાખવે છે એ આગામી સમયમાં જ ખબર પડશે.

ઉલ્લેખનીય છે કે, ટ્રાઈ શરુઆતથી જ ટેલિકોમ કંપનીઓને તેમના ટેરિફ પ્લાનને લઈને પારદર્શિતા રાખલાની સલાહ આપતું આવ્યું છે. ટ્રાઈએ કંપનીઓને કહ્યું કે, તે તેમના તમામ પ્લાન્સને પોતાની વેબસાઈટ પર પબ્લિશ કરે. એ પ્લાન પછી પ્રોમોશનલ હોય કે પછી યૂઝર સ્પેસિફિક.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]