નવી દિલ્હીઃ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે જાહેર કરેલા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન તમામ ડોમેસ્ટિક, નોન-શેડ્યૂલ અને ખાનગી ફ્લાઈટ્સનું સસ્પેન્શન 14 એપ્રિલ સુધી લંબાવી દીધું છે.
તમામ આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ 14 એપ્રિલ સુધી સસ્પેન્ડ રહેશે એવી ડીજીસીએની જાહેરાતના એક દિવસ બાદ આજે આ નવી જાહેરાત આવી છે.
ડીજીસીએ એજન્સીએ એક સર્ક્યૂલરમાં જણાવ્યું છે કે ભારતમાં શેડ્યૂલ, નોન-શેડ્યૂલ અને ખાનગી વિમાન સેવાનું સંચાલન કરતા તમામ ડોમેસ્ટિક એર ઓપરેટરો માટેનું સસ્પેન્શન 14 એપ્રિલ, રાતે 11.59 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે.
સર્ક્યૂલરમાં જણાવાયું છે કે, અમે એવો નિર્ણય લીધો છે કે તમામ શેડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર વિમાન સેવા તો 14 એપ્રિલ, 2020ના સાંજે 6.30 વાગ્યા સુધી બંધ રહેશે. તે છતાં આ નિયંત્રણ ડીજીસીએ દ્વારા માન્યતાપ્રાપ્ત તમામ ઈન્ટરનેશનલ કાર્ગો વિમાન સેવા તથા ફ્લાઈટ્સને લાગુ નહીં પડે.
આને પગલે એર ઈન્ડિયાએ ટ્વીટ કર્યું હતું કે એર ઈન્ડિયાની તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ વિમાન સેવા 14 એપ્રિલ, 2020 સુધી રદબાતલ રહેશે.