નવી દિલ્હી- કોર્ટની અવમાનના કરવા બદલ સુપ્રીમે આરકોમના માલિક અનિલ અંબાણીને દોષી ઠેરવ્યાં છે. ચેરમેન અનિલ અંબાણીને અને કંપનીના બે ડિરેક્ટરોને એરિક્સન કંપનીને 550 કરોડની ચૂકવણી ના કરતા સુપ્રીમ કોર્ટે કોર્ટની અવમાનના ગણાવીને તેમને દોષી ઠેરવ્યાં તેમ જ કંપનીને 453 કરોડ ચાર સપ્તાહની અંદર ચૂકવવા આદેશ આપ્યો છે અને જો તેઓ આ નાણાંની ચૂકવણી નહી કરે તો તેમને 3 માસની જેલની સજા ફટકારવામાં આવશે.
આ સિવાય કોર્ટે રીલાયન્સ ટેલિકોમ અને રીલાયન્સ ઇન્ફ્રાટેલને 1-1 કરોડનો દંડ ફટકાર્યો છે અને જો તેઓ આ દંડની ચૂકવણી નહીં કરે તો તેમને 1 માસની જેલની સજા ફટકારવામાં આવશે. કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જજ એફ નરીમન અને વિનીત સરનની બેન્ચે જણાવ્યું હતું કે, રીલાયન્સ સમૂહ દ્વારા કોર્ટને ચૂકવવામાં આવેલા 180 કરોડ એરિક્સનને આપવામાં આવશે. આ સિવાય કોર્ટે જણાવ્યું હતું કે, રીલાયન્સે કોર્ટના આદેશનું પાલન કર્યું નથી જેને કોર્ટની અવમાનના ગણાવામાં આવશે. એટલું જ નહીં કોર્ટે જણાવ્યું હતું કે, રીલાયન્સની માફીને સ્વીકારવામાં આવશે નહીં કેમકે તેમણે જાણી જોઇને આ રકમની ચૂકવણી કરી નથી.
એરિક્સન ઇન્ડિયાએ રીલાયન્સ પર આરોપ લગાવ્યો હતો કે, રીલાયન્સ સમૂહની પાસે રાફેલ વિમાન ડીલમાં રોકાણ કરવા માટે નાણાં છે પરંતુ અમારા 550 કરોડ ચૂકવવા માટે નાણાં નથી. જો કે, રીલાયન્સે એરિક્સનના આરોપનો ઇન્કાર કરી દીધો હતો.