રિઝર્વ બેન્કની સ્પષ્ટતાઃ સ્ટાર ચિન્હવાળી 500ની નોટ નકલી નથી

નવી દિલ્હીઃ હવે પછી જો તમને કોઈ ચલણી નોટમાં નંબર પેનલમાં સ્ટાર (*) ચિન્હ દેખાય તો ચિંતા કરતા નહીં. સ્ટાર સિમ્બોલવાળી આ બેન્કનોટ્સ કાયદેસર છે. ભારતીય રિઝર્વ બેન્કે આ નોટો વિશે સ્પષ્ટતા કરી દીધી છે.

કેન્દ્રીય બેન્કે જણાવ્યું છે કે સ્ટાર ચિન્હવાળી અને તે વગરની બધી જ બેન્ક નોટ કાયદેસર છે. બેન્ક નોટમાં ઉપસર્ગ અને સીરિયલ નંબરની વચ્ચે સ્ટાર સિમ્બોલનો ઉમેરો કરવામાં આવ્યો છે. સ્ટાર સિમ્બોલવાળી બેન્કનોટ દર્શાવે છે કે તે ખરાબ થઈ ગયા બાદ એના તે જ નંબર અને ઉપસર્ગ વચ્ચે સ્ટાર સિમ્બોલનો ઉમેરો કરવામાં આવ્યો છે અને તેને રીપ્રિન્ટ કરવામાં આવી છે. આ એ નોટો છે જે ખરાબ થયેલી હાલતમાં મળ્યા બાદ એને ફેરફાર સાથે રીપ્રિન્ટ કરવામાં આવી છે.

આ નોટ નકલી કે બનાવટી નથી એવો કેન્દ્ર સરકાર હસ્તકની પીઆઈબી (પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો) સંસ્થાએ પણ ખુલાસો કર્યો છે. રિઝર્વ બેન્કે 2016ના ડિસેમ્બરથી 500 રૂપિયાના મૂલ્યની ચલણી નોટો પર સ્ટારનું ચિન્હ લગાડવાનું શરૂ કર્યું છે.