નાગપુર – કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ દેશમાં પ્રવર્તતી આર્થિક મંદી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
અહીં એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે મારા મંત્રાલયમાં રૂ. 89 હજાર કરોડની કિંમતના કેસનો ભરાવો થયો છે. મેં મંત્રાલયના સંબંધિત અધિકારીઓને આર્થિક પરિસ્થિતિ અંગે ચેતવણી આપી દીધી છે અને કહી દીધું છે કે એમણે તમામ યોજનાઓને બરાબર રીતે સંભાળવી પડશે.
ગડકરીએ કહ્યું કે, મેં તમામ સિનિયર અધિકારીઓને મારા ઘેર બોલાવ્યા હતા અને એમને કહ્યું હતું કે રૂ. 89 હજાર કરોડની કિંમતના કેસો છે. આની પર કામકાજ કેવી રીતે કરવું એ હું તમને નહીં કહું. હું તમને માત્ર એટલું જ કહીશ કે દેશનું અર્થતંત્ર હાલ કસોટીના કાળમાંથી પસાર થઈ રહ્યું છે. પ્રવાહિતા (રોકડ)ની તંગી છે અને તમારે ઝડપથી નિર્ણયો લેવાના છે.
ઉલ્લેખનીય છે કે હાલ વિરોધપક્ષો મોંઘવારી, આર્થિક મંદી, બેરોજગારી, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ અને સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર પસ્તાળ પાડી રહ્યા છે તેવામાં ગડકરીનું આ નિવેદન આવ્યું છે.
ભારતીય અર્થતંત્રનું કદ હાલ અંદાજે 2.7 ટ્રિલિયન ડોલર છે. પરંતુ કેન્દ્ર સરકારે જાહેરાત કરી દીધી છે કે 2025 સુધીમાં દેશના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરના આંક સુધી પહોંચાડી દેવાના પ્રયાસો ચાલુ છે.