સેન્સેક્સ, નિફ્ટી ઓલટાઇમ ઊંચી સપાટીએઃ મેટલ શેરોમાં લાવ-લાવ

અમદાવાદઃ માર્ચ સિરીઝના પહેલા દિવસે સ્થાનિક શેરબજારોએ અત્યાર સુધીની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ઘરેલુ અર્થતંત્રના ડિસેમ્બર ત્રિમાસિકમાં અંદાજથી પ્રોત્સાહક પ્રદર્શન, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં લેવાલી અને વૈશ્વિક બજારોના તેજીના સંકેતને કારણે શેરોની જાતેજાતમાં લેવાલી થઈ હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ દોઢ-દોઢ ટકાથી વધુ ઊછળ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં પણ રૂ. 4.15 લાખ કરોડનો વધારો નોંધાયો હતો.

માર્ચ સિરીઝના પહેલા દિવસથી જ બજારમાં આગઝરતી તેજી થઈ હતી. છેલ્લા કલાકમાં સેન્સેક્સે 73,819.21 અને નિફ્ટે 22,353.3ની સપાટી સર કરી હતી. તાતા સ્ટીલની આગેવાનીમાં મેટલ શેરોમાં ભારે તેજી થઈ હતી. મેટલ ઇન્ડેક્સ 3.6 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે ઓટો, ફાઇનાન્શિયલ સર્વિસ, બેન્ક, PSU બેન્ક અને ખાનગી ક્ષેત્રની બેન્કના ઇન્ડેક્સ 2-2 ટકાથી વધુ વધીને બંધ રહ્યા હતા. બીજી બાજુ આઇટી, ફાર્મા અને મિડિયા ક્ષેત્રના શેરોમાં વેચવાલી થઈ હતી.

ગઈ કાલે ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્ર 8.4 ટકાના દરે વિકાસ પામ્યું હતું અને આજે મેન્યુફેક્ચરિંગ PMIના ડેટા પ્રોત્સાહક આવતાં શેરોની તેજીમાં ઘી ઉમેર્યું હતું. વળી, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 3568 કરોડના શેરો ખરીદ્યા હતા. છેલ્લા 10 વર્ષોમાં FII આઠ વાર માર્ચ મહિનામાં શુદ્ધ ખરીદદાર સાબિત થયા છે અને આ વર્ષે પણ લોકસભાની ચૂંટણીને લીધે આ જ વલણ રહેવાની શક્યતા છે.

BSE સેન્સેક્સ 1245.05 પોઇન્ટ અથવા 1.72 ટકા ઊછળીને 73,745 અને નિફ્ટી 355.95 પોઇન્ટ એટલે કે 1.62 ટકા ઊછળીને 22,338.75ની ઓલ ટાઇમ ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. ટ્રેડિંગ સેશન દરમ્યાન ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 73,819.21એ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 22,353.30ના મથાળે પહોંચ્યો હતો. નિફ્ટી બેન્ક 1166 પોઇન્ટ ઊછળી 47,286.90 બંધ રહ્યો હતો.