નવી દિલ્હી: જાહેરક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક એસબીઆઈના ગયા નાણાકીય વર્ષમાં એનપીએમાં અંદાજે બાર હજાર કરોડ રૂપિયાયનું અંતર જોવા મળ્યું. આરબીઆઈ દ્વારા કરાયેલા એસેસમેન્ટમાં નાણાં વર્ષ 2018-19 માં એસબીઆઈની ગ્રોસ એનપીએ રૂપિયા 1,84,682 કરોડ હતી જ્યારે બેંક દ્વારા 1,72,750 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું હતું. આમ કુલ રૂપિયા 11932 કરોડની એનપીએનું અન્ડર-રિપોર્ટીંગ થયાનું બેંક દ્વારા કરાયેલા એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવાયું હતું.
એ જ રીતે બેંકની નેટ એનપીએ 77,827 કરોડ રુપિયા હતી. જ્યારે એસબીઆઈ એ રુપિયા 65895 કરોડ રુપિયાની નેટ એનપીએ દર્શાવી હતી. એટલે કે નેટ એનપીએ માં પણ 11,932 કરોડ રુપિયાનું અંતર હતું. આને પરિણામે બેંકે તેની જ બેલેન્સશીટમાં 12036 કરોડ રુપિયાની વધારાની જોગવાઈ કરવી પડત જેથી અનુમાનિત નુકસાન 6968 કરોડ રુપિયા હોત. એસબીઆઈ એ નાણાકીય વર્ષ 2018-19 માટેના નાણાકીય પરિણામો જે મે મહિનામાં જાહેર કર્યા હતા તેમાં બેંકે 862 કરોડનો રુપિયાનો નફો દર્શાવ્યો હતો.
વર્તમાન નાણાકીય વર્ષમાં પરિણામકારક સ્લિપેજ અથવા અપગ્રેડેશન બાદ ગ્રોસ એનપીએ પર 3143 કરોડ રુપિયાની અસર જોવા મળશે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં બેંકે 4654 કરોડ રુપિયાની વધારાની જોગવાઈ કરવાની રહેશે. રિઝર્વ બેંકે તાજેતરમાં જ એક પરિપત્ર જાહેર કરીને બેંકો માટે બેડ લોન્સનું ડાયવર્જન્સ જાણમાં આવ્યાના એક દિવસની અંદર જ જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું છે. તાજેતરના મહિનાઓમાં, બેંકો દ્વારા બેડ લોન્સના અન્ડર-રિપોર્ટિંગની અનેક ઘટનાઓ જોવા મળી છે, જેને કારણે રિઝર્વ બેંકને નિયમનકારી પગલાં લેવાની ફરજ પડી.