ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી દર 4 માસની ટોચે

નવી દિલ્હી- ખાદ્ય પદાર્થોની કિંમતો વધુ હોવાને કારણે ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી દર 2.57 ટકા રહ્યો છે. જે ચાર મહિનાના ઉચ્ચ સ્તર પર છે.

ફેબ્રુઆરી CPI 2.57 ટકા પર 4 માસની ટોચે છેલ્લા કેટલાક સમયથી દેશના મોંઘવારીના આંકડામાં એકતરફી ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ, ઈલેકશનના આ વર્ષમાં કન્ઝમ્પ્શન વધતા અને ક્રૂડના ભાવ ફરી ઉંચકાતા દેશમાં ફરી મોંઘવારી માઝા મુકશે તેવી આશંકા સેવાઈ રહી હતી.

જાન્યુઆરી, 2019ના 2.05 ટકાના ગ્રાહક સ્તરની મોંઘવારીના આંકડાની સામે ફેબ્રુઆરીમાં CPI ઈન્ડેકસ 2.57 ટકા રહ્યો છે. ગ્રામીણ મોંઘવારી દર માસિક દ્રષ્ટિએ 1.29 ટકાથી વધીને 1.81ટકા અને શહેરી CPI ઈન્ડેકસ 2.91 ટકાથી વધીને 3.43 ટકા રહ્યો છે. ફેબ્રુઆરી માસમાં ગ્રાહક સ્તરનો મોંઘવારી દર 2.50 ટકાની આસપાસ રહેવાનો માર્કેટ એક્સપર્ટસનો અંદાજ હતો. જાન્યુઆરીમાં ગ્રાહક સ્તરનો મોંઘવારી દર 18 માસના તળિયે પહોંચ્યો હતો પરંતુ, ગત મહિને આ આંકડો ચાર માસના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો છે.

સરકાર દ્વારા જાહેર થયેલા ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) ડેટાથી સ્પષ્ટ થાય છે. જાન્યુઆરી મહિનામાં ઔદ્યોગિક ક્ષેત્રનો ઉત્પાદન વૃદ્ધિદર ઘટીને 1.7 ટકા નોંધયો છે જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નબળી કામગીરીને આભારી છે. જ્યારે વર્ષ પૂર્વે જાન્યુઆરી 2018માં આઇઆઇપી ગ્રોથ 7.5 ટકા જેટલો ઊંચો જાહેર કર્યો છે. આમ વાર્ષિક તુલનાએ જોઇએ તો ઔદ્યોગિક ક્ષેત્રનો ઉત્પાદન વૃદ્ધિથી ઊંચા સ્તરેથી ગગડીને તળિયે ઉતરી ગયો છે. જે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, રોજગારી સર્જનના મામલે ગંભીર સ્થિતિના સંકેત આપે છે.

આ સાથે ચાલુ નાણાંકીય વર્ષ 2019માં એપ્રિલથી જાન્યુઆરી સુધીના પ્રથમ 10 મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 4.4 ટકા વધ્યું છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાનગાળામાં આ વૃદ્ધિદર 4.1 ટકા નોંધાયો હતો. આઇઆઇપીના આંકડા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (CSO) જાહેર કરવામાં આવે છે.