નવી દિલ્હીઃ એશિયાના સૌથી શ્રીમંત અને અબજોપતિ મુકેશ અંબાણી દેશમાં સૌથી મોટો પ્રોજેક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેઓ દેશમાં સૌથી મોટો લક્ઝરી મોલ ખોલવાના છે, જે સિટીવોક અને DLF એમ્પોરિયોને પાછળ રાખી દેશે. આ નવા મોલ જિયો વર્લ્ડ પ્લાઝા તરીકે ઓળખાશે. જિયો વર્લ્ડ પ્લાઝા દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો મોંઘો મોલ હશે.
રિલાયન્સ લિ.નો આ જિયો વર્લ્ડ પ્લાઝા સ્ટોર મુંબઈના પોશ વિસ્તાર બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં આવેલો હશે, જે કંપની અને અંબાણી પરિવારની BKC શહેરી વિકાસ જગ્યામાં આવેલો હશે. આ માટે કંપનીએ પહેલેથી જ જિયો વર્લ્ડ માટે આ વિસ્તારમાં જગ્યા લઈ રાખી છે અને સેન્ટર સ્થાપિત કર્યું છે.કંપનીના આ જિયો વર્લ્ડ પ્લાઝાના માધ્યમથી દેશમાં પાંચ અબજ અમેરિકા ડોલરનો લક્ઝરી રિટેલ ઉદ્યોગ ધૂમ મચાવવા સજ્જ છે, જેમાં સેંકડો લક્ઝરી સ્ટોર સામેલ હશે, જે કંપનીઓ ભારતમાં સૌપ્રથમ વાર પ્રવેશવા માગે છે.
જોકે કંપનીએ મેગા મોલ જિયો વર્લ્ડ પ્લાઝા માટે ઉદઘાટનની તારીખની જાહેરાત નથી કરી, પરંતુ એ તહેવારોની સીઝનની વચ્ચે કે વર્ષ 2023ના અંતમાં તે વર્ષ 2024ના પ્રારંભના બે મહિનાઓમાં શરૂ થવાની વકી છે. જિયો વર્લ્ડ પ્લાઝા દેશનો સૌથી મોંઘો મોલ હશે.
વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ બર્નાર્ડ આર્નોલ્ટની માલિકીની લુઇસ વુઇટન અંબાણીના મોલ જિયો વર્લ્ડ પ્લાઝામાં સ્ટોર શરૂ કરવા તૈયાર છે અને એ સ્ટોરનું કંપની મહિનાદીઠ ભાડું રૂ. 40 લાખ ચૂકવશે. આ લક્ઝરી મોલમાં ગુચી, કાર્ટિયર, બર્બરી, બલ્ગારી, ડિયોર, રિમોવા સહિત અને અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના સ્ટોર હશે.