નવી દિલ્હી- રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શનિવારે કહ્યું કે, તેમણે વેનેઝૂએલા પર અમેરિકાના પ્રતિબંધનો કોઈ ઉલ્લંઘન નથી કર્યું. રીલાયન્સે લાતિન અમેરિકન દેશથી રશિયાની રોઝનેફ્ટ જેવી કંપનીઓ પાસેથી ક્રૂડની ખરીદી કરી છે, અને આ અંગેની સંપૂર્ણ જાણકારી અમેરિકન પ્રશાસનને છે. રીલાયન્સે તેમના એક નિવેદનમાં કહ્યું કે, વેનેઝુએલાની રાષ્ટ્રીય ઓઈલ કંપની પીડીવીએસએને ક્રૂડના પુરવઠા માટે ત્રીજા પક્ષ મારફતે રોકડ ચૂકવણી (લાંચ)નો રિપોર્ટ એકદમ ખોટો અને કોઈ આધાર વગરનો છે. વધુમાં કહ્યું કે, રીલાયન્સે વેનેઝૂએલાથી ક્રૂડની ખરીદી રોઝનેફ્ટ (રશિયાની કંપની) જેવી કંપનીઓ પાસેથી કરી છે, આ ખરીદી અમેરિકાના પ્રતિબંધ પહેલાં કરવામાં આવી હતી.
રીલાયન્સે તેમના નિવેદનમાં વધુમાં કહ્યું કે, પ્રતિબંધ લાગુ કરાયા બાદ જે પણ ખરીદી કરી છે તે, અમેરિકાના વિદેશ વિભાગ (યૂએસડીઓએસ)ની જાણકારી તેમજ મંજૂરી મળ્યા બાદ કરી છે. રીલાયન્સે યૂએસડીઓએસને ક્રૂડનો જથ્થો તેમજ લેવડ દેવડ અંગે જાણકારી આપી છે. આ પ્રકારની લેણ દેણથી યૂએસડીઓએસને કોઈ રોકડ ચૂકવણી નથી કરવામાં આવી અને આનાથી અમેરિકાના પ્રતિબંધો કે નીતિઓનું ઉલ્લંઘન નથી થતું.
રીલાયન્સે કહ્યું કે, એવા વિક્રેતાઓ સાથે કિંમતને લઈને સમજૂતી બજાર ભાર પર નક્કી થઈ તેમજ ચૂકવણી રોકડ કે દ્વિપક્ષીય રૂપે ઉત્પાદનના પૂરવઠાના માધ્યમથી થયું. આ રિપોર્ટ સંપૂર્ણ રીતે ખોટો છે, કે રીલાયન્સે રોઝનેફ્ટના માધ્યમથી પીડીવીએસએને રોકડ (લાંચ) ચૂકવી.
ગત મહિને રીલાયન્સે કહ્યું હતું કે, તેમણે અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરી રહેલા વેનેઝૂએલાથી તમામ પ્રકારે ઓઈલ નિકાસ બંધ કરી દીધી છે, અને જ્યાં સુધી પ્રતિબંધ નહીં હટાવવામાં આવે ત્યાં સુધી વેચાણ શરુ નહીં કરવામાં આવે. રીલાયન્સ વેનેઝુએલાથી ક્રૂડનું મોટુ આયાતકર્તા રહ્યું છે. તેમણે તેમની ખરીદીમાં એક તૃતિયાંશનો ઘટાડો કર્યો છે. અમેરિકાએ વેનેઝુએલા પર જાન્યુઆરી 2019માં પ્રતિબંધો લાદ્યાં હતાં.