રિલાયન્સ રિટેલ લોટસ ચોકલેટનો 51 ટકા હિસ્સો ખરીદશે

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ ક્ષેત્ર પર સતત ધ્યાન કેન્દ્રિત છે અને ગ્રુપની રિટેલ ક્ષેત્રથી જોડાયેલી સબસિડિયરી રિલાયન્સ રિટેલ સતત કેટલીક કંપનીઓનું હસ્તાંતરણ કરી રહી છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સે BSE લિસ્ટેડ કંપની લોટસ ચોકલેટ કંપનીમાં કન્ટ્રોલિંગ સ્ટેકના હસ્તાંતરણ કર્યું છે.

રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલે પ્રમોટર ગ્રુપની કંપનીઓથી લોટસ ચોકલેટની 51 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. આ સિવાય પબ્લિક શેરહોલ્ડર્સમાંથી 26 ટકા વધારાના હિસ્સાના હસ્તાતંરણ માટે રિલાયન્સ ગ્રુપની કંપની ઓપન ઓફર લાવશે.

રિલાયન્સ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં કહ્યું હતું કે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટસ લોટસ ચોકલેટ કં.ના પ્રમોટર્સ પાસેથી રૂ. 74 કરોડના મૂલ્યના શેર ખરીદશે. આ સમાચારે લોટસ ચોકલેટમાં સતત પાંચમા દિવસે અપર સર્કિટ લાગી હતી. દલાલ સ્ટ્રીટને આ સોદાનો અણસાર મળ્યો હતો, જેને કારણે ગુરુવારે સતત પાંચમા દિવસ કંપનીના શેરોમાં પાંચ ટકા અપર સર્કિટ લાગી હતી. કંપનીએ હાલમાં રૂ. 122.95ની સરકિટ લાગી હતી. જોકે કંપનીના શેરો 52 સપ્તાહના ઊંચા ભાવ રૂ. 198.45થી ઘણો નીચે છે.

રિલાયન્સ રિટેલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું હતું કે લોટસમાં મૂડીરોકાણ ભારતમાં બનતી ઊંચી ગુણવત્તાવાળાં ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. એનાથી વાજબી કિંમત પર વધુ મોટી સંખ્યામાં ગ્રાહકોને સર્વ કરવામાં આવી શકે.