નવી દિલ્હી- ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ)ના છેલ્લા ટેલિકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ (ટેલિકોમ ગ્રાહકોની સંખ્યાના અહેવાલ) અનુસાર, વર્ષ 2018માં ગ્રાહકોની સંખ્યામાં વધારો નોંધાવનારી ટેલિકોમ કંપનીઓમાં રિલાયન્સ જિઓ મોખરે રહી છે. આ રિપોર્ટ અનુસાર ડિસેમ્બર 2018માં માત્ર જિઓ અને બી.એસ.એન.એલ.ના ગ્રાહકોની સંખ્યામાં જ વધારો થયો છે. જ્યારે વોડાફોન આઇડિયા તથા એરટેલ કંપનીઓએ ગ્રાહકો ગુમાવ્યા છે.
ગુજરાતના કુલ ટેલિકોમ સેવાઓના ગ્રાહકોની સંખ્યામાં વર્ષ 2018માં નજીવો વધારો નોંધાયો છે. વર્ષ 2017ના ડિસેમ્બરમાં નોંધાયેલા 7.05 કરોડ ગ્રાહકોની સરખામણીએ વર્ષ 2018ના ડિસેમ્બરમાં 7.06 કરોડ ગ્રાહકો નોંધાયા છે.
રાષ્ટ્રીય કક્ષાએ પણ ટેલિકોમ સેવાના ગ્રાહકોની સંખ્યામાં નજીવો વધારો થઈને ડિસેમ્બરમાં કુલ ગ્રાહકોની સંખ્યા 119.7 કરોડ સુધી પહોંચી છે. ટ્રાઇના રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2018માં માત્ર બે ટેલિકોમ કંપનીઓ – રિલાયન્સ જિઓ અને સરકાર દ્વારા સંચાલિત બી.એસ.એન.એલ.ના ગ્રાહકોની સંખ્યામાં જ વધારો નોંધાયો છે.
ડિસેમ્બરમાં રિલાયન્સ જિઓના નેટવર્કમાં 85.64 લાખ ગ્રાહકોનો વધારો થઈને કુલ ગ્રાહકોની સંખ્યા 28 કરોડ થઈ છે. જ્યારે બી.એસ.એન.એલ.ના ગ્રાહકોની સંખ્યામાં 5.56 લાખનો ઉમેરો થઈને કુલ ગ્રાહક સંખ્યા 11.4 કરોડે પહોંચી છે.
ટ્રાઇએ ટેલિકોમ ઓપરેટર્સના ગ્રાહકોની સંખ્યા બાબતે ડિસેમ્બર મહિનાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, “નવેમ્બર 2018માં ભારતમાં નોંધાયેલા ટેલિફોન ગ્રાહકોની સંખ્યા 1,193.72 મિલિયન (119.3 કરોડ) હતી. જે ડિસેમ્બર 2018ના અંત સુધીમાં 1,197.87 મિલિયન (119.7 કરોડ) નોંધાઈ છે, જે 0.35નો માસિક વૃદ્ધિ દર દર્શાવે છે.”
મોબાઇલ ગ્રાહકોની સંખ્યા એક મહિનામાં વધીને 117.6 કરોડ સુધી પહોંચી છે. વોડાફોન આઇડિયાએ અત્યાર સુધીમાં સૌથી વધુ 23.3 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે, પરંતુ તે હજી પણ 42 કરોડ ગ્રાહકો સાથે સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની છે.
ભારતી એરટેલમાં 15 લાખ ગ્રાહકોનો ઘટાડો નોંધાયો છે. તેની કુલ ગ્રાહક સંખ્યા 34 કરોડ જેટલી છે. જોકે, એરટેલે ત્રીજા ત્રિમાસિક નાણાંકીય કામગીરીના અહેવાલમાં 5.7 કરોડા ઓછી આવક આપતાં મોબાઇલ ગ્રાહકોને ગણતરીમાં લેવાનું બંધ કર્યું છે અને તેના કુલ ગ્રાહકોની અસરકારક સંખ્યા ડિસેમ્બર અંત સુધીમાં 28.42 કરોડ હોવાનું જણાવ્યું છે.
હાલમાં એરટેલ સાથે ભળી જવાની પ્રક્રિયામાં રહેલી ટાટા ટેલિસર્વિસિસે પણ તેના નેટવર્કમાં 10 લાખ મોબાઇલ ગ્રાહકોનો ઘટાડો થયો હોવાનું જણાવ્યું છે. સરકાર દ્વારા સંચાલિત એમ.ટી.એન.એલ.ના મોબાઇલ ગ્રાહકોની સંખ્યા 3,963ના ઘટાડો સાથે 46,409 થઈ છે. આ ઉપરાંત રિલાયન્સ કોમ્યુનિકેશનના ગ્રાહકોની સંખ્યા 1,929ના ઘટાડા સાથે 22,138 થઈ છે.
નવેમ્બર 2018માં નોંધાયેલા લેન્ડલાઇન ગ્રાહકોની સંખ્યા 2.19 કરોડથી ઘટીને ડિસેમ્બર 2018માં 2.18 કરોડ થઈ છે. જેમાં લેન્ડલાઇન ટેલિફોન સેવામાં બજારની ટોચની કંપની બીએસએનએલે સૌથી વધુ ગ્રાહકો ગુમાવ્યા છે. માત્ર ખાનગી ટેલિકોમ કંપનીઓ એરટેલ અને વોડાફોન આઇડિયાએ તેમના નવા ફિક્સ્ડ લાઇન ગ્રાહકોની સંખ્યામાં અનુક્રમે 15,213 અને 9,027નો વધારો ડિસેમ્બરમાં નોંધાવ્યો છે.
દેશમાં બ્રોડબેન્ડ સેવાનો ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્યા 1.3 ટકા વધીને થઈને ડિસેમ્બર 2018માં 51.8 કરોડે પહોંચી છે, જે નવેમ્બર 2018માં 51.1 કરોડ હતી. મોબાઇલ બ્રોડબેન્ડના કુલ 49.99 કરોડ નવાં જોડાણ (કનેક્શન્સ) સાથે કુલ ગ્રાહકોની સંખ્યામાં મોબાઇલ બ્રોડબેન્ડ શ્રેણીનું પ્રભુત્વ જોવા મળે છે. જ્યારે ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ જોડાણોની સંખ્યા 1.81 કરોડ રહી હતી.
રિલાયન્સ જિઓ 28 કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકો સાથે યાદીમાં મોખરે રહી છે. ત્યારબાદ વોડાફોન આઇડિયા 10.79 કરોડ ગ્રાહકો સાથે બીજા ક્રમે, ભારતી એરટેલ 10 કરોડ ગ્રાહકો સાથે ત્રીજા ક્રમે, તથા બીએસએનએલ અને ટાટા ટેલિસર્વિસિસ અનુક્રમે બે કરોડ અને 22.6 લાખ ગ્રાહકો સાથે અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે રહી છે.