મુંબઈ: દેવાના ડુંગર હેઠળ દબાયેલ રિલાયન્સ-એડીએજી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ)ના ડાયરેક્ટર પદેથી રાજીનામુ આપી દીધું છે. અનિલ અંબાણી ઉપરાંત આરકોમના અન્ય 4 મોટા અધિકારીઓએ પણ રાજીનામા આપી દીધા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર અનિલ અંબાણી ઉપરાંત છાયા વિરાની, રાયના કારાની, મંજરી કાકેર અને સુરેશ રંગાચરે પણ રાજીનામુ આપ્યું છે. તેમાં અનિલ અંબાણી, છાયા વિરાની અને મંજરી કાકેરે 15 નવેમ્બરે રાજીનામુ આપ્યું છે જ્યારે રાયના કારાનીએ 14 નવેમ્બર અને સુરેશ રંગાચરે 13 નવેમ્બરે રાજીનામુ આપ્યું છે.
રૂ. 30,142 કરોડનું નુકસાન
શુક્રવારે રિલાયન્સ કોમ્યુનિકેશનના ત્રીજા ત્રિમાસીક ગાળાના પરિણામ આવી ગયા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસીક ગાળામાં કંપનીને રૂ. 30,142 કરોડનું નુકસાન થયું છે. નાદારી પ્રક્રિયામાં ચાલતી કંપનીએ ગયા વર્ષે સમાન ત્રિમાસીક ગાળામાં રૂ. 1,141 કરોડનો નફો કર્યો હતો. જ્યારે આ ત્રિમાસીક ગાલામાં કંપનીની આવક ઘટીને 302 કરોડ થઈ ગઈ છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 977 કરોડ હતી. શેરબજારમાં પણ હાલ આરકોમના શેરની કિંમત માત્ર 59 પૈસા રહી છે.
એજીઆરની લપેટમાં આરકોમ
ત્રિમાસીક પરિણામોમાં જણાવવામાં આવ્યું છે કે,સુપ્રીમ કોર્ટે દૂરસંચાર કંપનીઓની વાર્ષિક એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR)ની ગણતરીના નિર્ણયને ધ્યાનમાં રાખીને કંપનીને રૂ. 28,314 કરોડની જોગવાઈ કરી આપી છે. આરકોમના કુલ દેવામાં રૂ. 23,327 કરોડ રૂપિયાની લાઈસન્સ ફી અને રૂ. 4,987 કરોડની સ્પેક્ટ્રમ ફી પણ સામેલ છે.
ચીની બેંકોએ કેસ દાખલ કર્યો
આરકોમના માલિક અનિલ અંબાણી પર ચીનની ત્રણ મોટી બેંકોએ લંડન કોર્ટમાં 680 મિલિયન ડોલર (અંદાજે 47,600 કરોડ) નહીં ચૂકવવાનો કેસ દાખલ કર્યો છે.આ ત્રણેય બેન્ક- ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઈના લિમિટેડ, ચાઈના ડેવલપમેન્ટ બેન્ક અને એક્સપોર્ચ-ઈમ્પોર્ટ બેન્ક ઓફ ચાઈના છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે બેન્કોએ દાવો કર્યો છે કે, અનિલ અંબાણીની અંગત ગેરંટીની શરત પર રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ)ને 2012માં 92.52 કરોડ ડોલર (અંદાજે 65 હજાર કરોડ)નું ધિરાણ આપવામાં આવ્યું હતું. ત્યારે અનિલ અંબાણીએ આ લોનની પર્સનલ ગેરંટી લેવાની વાત કરી હતી પરંતુ ફેબ્રુઆરી 2017 પછી કંપની લોન ચૂકવવામાં ડિફોલ્ટ થઈ હતી.