મેચ્યોરિટી તારીખે FD ન ઉપાડનારને થશે નુકસાન

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કે એક સર્ક્યૂલર પાડીને ફિક્સ્ડ ડિપોઝીટ્સ (એફડી) કે ટર્મ ડિપોઝીટ્સ (TD) માટેના નિયમોમાં ફેરફારો કર્યા છે. નવા નિયમો એવું સૂચવે છે કે કોઈ એફડીની મેચ્યોરિટી તારીખ પાકી જાય અને તે છતાં ધારક તે ઉપાડે નહીં (ક્લેમ કરે નહીં) તો એને બચત ઉપર વ્યાજના દરમાં નુકસાન વેઠવું પડશે. આરબીઆઈએ આમ છતાં તેના સર્ક્યૂલરમાં એવો નિર્દેશ પણ કર્યો છે કે ટર્મ ડિપોઝીટની તારીખ પાકી જાય તે પછી પણ ધારક વ્યાજ મેળવવાને હકદાર રહે છે. એવું નક્કી કરાયું છે કે TDની તારીખ પાકી જાય તે છતાં ધારક તેની રકમને ક્લેમ ન કરે, રકમ બેન્કમાં જ દાવો કરાયા વિના પડી રહે તો પણ એને વ્યાજનો દર તો મળે જ, પરંતુ એ સેવિંગ્સ એકાઉન્ટ પર અપાતા વ્યાજનો દર કે મેચ્યોર્ડ TD પર નક્કી કરાયેલા વ્યાજનો દર, બેમાંથી જે ઓછો હોય તે દર મળે.

જો એફડીની ચૂકવણી કરાઈ ન હોય અને રકમ તેની મેચ્યોરિટી તારીખ બાદ પણ બેન્ક પાસેથી ક્લેમ કરાઈ ન હોય તો એની પર વ્યાજ આપતા રહેવું, પરંતુ તે દર સેવિંગ્સ એકાઉન્ટનો કે મેચ્યોર્ડ એફડી માટે નક્કી કરાયેલો દર, બેમાંથી જે ઓછો હોય તે આપવો. અત્યાર સુધી ક્લેમ ન કરાયેલી TD કે એફડી પર સેવિંગ્સ ડિપોઝીટ્સ માટે અપાતા વ્યાજનો દર જ લાગુ પડતો હતો. હવે તમામ વ્યાપારી બેન્કો, નાની ફાઈનાન્સ બેન્કો, સ્થાનિક એરિયા બેન્કો, શહેરી કોઓપરેટિવ બેન્કો, રાજ્ય કોઓપરેટિવ બેન્કો – એમ તમામ બેન્કોને નવો નિયમ લાગુ પડશે. જો કોઈ એફડી (TD)ની રકમનો 10 વર્ષ સુધી ક્લેમ ન કરાય તો એ નાણાંને આરબીઆઈના ડિપોઝીટર એજ્યૂકેશન એન્ડ અવેરનેસ (DEA) ફંડમાં ટ્રાન્સફર કરી દેવી. 2019-20ના નાણાકીય વર્ષમાં આરબીઆઈના DEA ફંડમાં રૂ. 33,114 કરોડની ક્લેમ વગરની રકમ પડી હતી. આ રકમનો ઉપયોગ આરબીઆઈએ રચેલી એક સમિતિ દ્વારા સરકારી સિક્યૂરિટીઝના ઈન્વેસ્ટમેન્ટમાં વાપરવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]