નવી દિલ્હીઃ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર એમ કે જૈને બેંકોને સાવધાન કરતાં કહ્યું છે કે તેમણે મુદ્રા ઋણ યોજના પર નજર રાખવી જોઈએ. આ ક્ષેત્રમાં ફસાયેલ લોનની રકમ 3.21 લાખ કરોડ રૂપિયા ઉપર નીકળી ગઈ છે. એટલા માટે બેંકોએ એવી લોન પર સખત નજર રાખવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2015માં મુદ્રા ઋણ યોજનાની શરૂઆત કરી હતી. મુદ્રા યોજના અનુસાર નાના વેપારીઓ, બિન કૃષિ, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યમો અને બિન કંપનીના વ્યવસાયિકોને 10 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવી છે. યોજના અનુસાર આવા ઉદ્યમોને લોન આપવાની વ્યવસ્થા કરાઈ છે. જેમાં ક્રેડિટ રેટિંગ નહી હોવાને કારણે બેંકો પાસેથી ઔપચારિક લોન નથી મળતી.
જૈને નવી દિલ્હીમાં સિડબીના એક કાર્યક્રમમાં આ વાત કરી હતી. મુદ્રા લોન પર નજર રાખવાની જરૂર છે. જ્યાં એક તરફ આ પહેલથી કેટલાય લાભાર્થીઓને ગરીબીમાંથી બહાર નીકળવાની મદદ મળી છે. તેમ જ તેમાંથી કેટલીક લોનમાં એનપીએ વધતી જતી હોવાને કારણે ચિંતા વધી છે. તેમણે કહ્યું છે કે બેંકો આવી લોન આપતી વખતે આવેલી અરજીની જાતતપાસ કરી લેવી જોઈએ, લોન લેનારાની ચૂકવણીની સ્થિતિ કેવી છે, તેની યોગ્ય તપાસ કરવી જોઈએ. આવી લોનમાં વધુ બારીકાઈથી તપાસ થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2015માં આ યોજનાની શરૂઆત થતાંની સાથેના એક વર્ષમાં રીઝર્વ બેંકના તત્કાલીન ગવર્નર રઘુરામ રાજને ચેતવણી આપતાં આ યોજનામાં સંપત્તિની ગુણવત્તાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે નાણાંપ્રધાન અરૂણ જેટલી હતાં, અને તેમણે આ ચિંતાને ધ્યાને લીધી ન હતી.
સરકારે જુલાઈમાં સંસદને જણાવ્યું છે કે મુદ્રા યોજનામાં કુલ એનપીએ 3.21 લાખ કરોડથી વધારે પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018-19માં તેના વીતેલા વર્ષમાં 2.52 ટકાથી વધીને 2.68 ટકા પર પહોંચી ગઈ છે. યોજના શરૂ થયા પછી જૂન 2019 સુધી 19 કરોડની લોન અપાઈ, જેમાંથી માર્ચ 2019 સુધીમાં 3.63 કરોડ ખાતામાં સમય પર લોન ચુકવનારા અસફળ રહ્યાં છે.
આરટીઆઈ દ્વારા મળેલ જવાબ અનુસાર મુદ્રા યોજનામાં ફસાયેલ લોન નાણાકીય વર્ષ 2018-19માં 126 ટકા વધીને 16,481 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જે વીતેલા વર્ષે આ રકમ 7,277.31 કરોડ હતી.