નવી દિલ્હી- દેશની આર્થીક ગતિવિધિઓને વેગ આપવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ 26 માર્ચે મુંબઈમાં એક મહત્વની બેઠક કરશે. આ બેઠક દરમિયાન બેંકો દ્વારા રેપો રેટમાં ઘટાડાનો ફાયદાઓ ગ્રાહકો સુધી પહોંચાડવાને લઈને ચર્ચા થાય તેવી સંભાવના છે. આ બેઠકમાં ઉદ્યોગ મંડળો અને ક્રેડિટ રેટિંગ એજન્સીઓના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. આ ઉપરાંત ઓલ ઈન્ડિયા બેંક ડિપોઝિટર્સ એસોસિએશનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર આરબીઆઈ ગવર્નર આ બેઠક પરામર્શ પ્રક્રિયાને વિસ્તૃત કરવા માટે કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, આરબીઆઈની મોનેટરી પોલિસી સમિતિની આગામી નાણાંકીય વર્ષ માટેની પ્રથમ બેઠક 4 એપ્રિલના રોજ મળશે. સમિતિની આગામી બેઠક અન્ય એક રીતે પણ મહત્વની છે, કારણ કે, બેઠકના માત્ર થોડા દિવસો બાદ એટલે કે, 11 એપ્રિલે લોકસભાની ચૂંટણી માટેનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે.
ગત વર્ષે ડિસેમ્બરમાં શક્તિકાંત દાસે રિઝર્વ બેંકના ગવર્નરનું પદ સંભાળ્યા બાદ કહ્યું હતું કે, તે સરકાર સહિત તમામ સંબંધિત પક્ષોને સાથે લઈને ચાલશે. તેઓ પહેલા પણ ઉદ્યોગ મંડળો, નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ, બેંક અધિકારીઓ, સરકારી પ્રતિનિધિઓ અને રેટિંગ એજન્સીઓ સાથે મુલાકાત કરતા રહ્યાં છે.
મહત્વનું છે કે, આ પહેલા રિઝર્વ બેંકના ગવર્નરે ગત 21 ફેબ્રુઆરીના રોજ ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોના પ્રમુખો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં નીતિગત વ્યાજ દરમાં ઘટાડા બાદ બેંકોની લોનમાં ઘટાડાના કારણો પર ચર્ચા કરવામાં આવી હતી. આરબીઆઈના નીતિગત દરોમાં ઘટાડો છતાં તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવામાં અસમર્થ રહ્યું છે.