નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકમાં 14,000 કરોડથી વધુનું કૌભાંડ આચરનાર મામાભાણેજની જોડી- નીરવ મોદી-મેહુલ ચોક્સીએ દેશ છોડ્યો એ પછી એક રીપોર્ટ પ્રમાણે સિલ્વર જ્વેલરી બજારમાં ભારે ઘટાડો નોંધાયો છે. મેહુલ ચોક્સી અને નીરવ મોદીના ભાગી ગયાં બાદ એટલે કે 2-18-19ના વર્ષમાં સિલ્વર જ્વેલરીની નિકાસમાં 75 ટકાનો ઘટાડો નોંધાયો છે.સરખામણી કરતાં આંકડાઓ મુજબ 2-17-18માં ભારતમાંથી લગભગ 3.4 અબજ ડોલરની સિલ્વર જ્વેલરી નિકાસ કરવામાં આવી હતી. ત્યાં 2018-19માં ફક્ત 83.8 કરોડ ડોલરનો વેપાર થઈ શક્યો છે. જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ-GJEPC દ્વારા આ રીપોર્ટની પુષ્ટિ કરવામાં આવી છે.
જોકે અન્ય નિષ્ણાતોનું કહેવું છે કે મામાભાણેજની જોડી ફક્ત કાગળ પર નિકાસ બતાવી રહ્યાં હતાં એટલા માટે આંકડાઓમાં મોટો ઘટાડો દેખાઈ રહ્યો છે. કારણ કે નીરવ મેદી-મેહુલ ચોક્સીના ભાગી ગયાં બાદ નિકાસ વેપાર અન્ય વેપારીઓને મળ્યો નથી.
સિલ્વર જ્વેલરી નિકાસમાં લગભગ 2.5 અબજ ડોલરના ઘટાડાને લઇને જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસમાં કુલ 3 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો કેટલાક વેપારીઓનો આરોપ છે કે જીએસટી રીફંડમાં વિલંબ અને રોકડ જેવી સમસ્યાઓને લઇને નિકાસમાં ઘટાડો નોંધાયો છે. દેશના કુલ નિકાસ વેપારમાં આ સેક્ટરનું મોટું યોગદાન રહે છે.
ગત વર્ષે ગોલ્ડ પેન્ડન્ટ અને કોઇન્સ નિકાસમાં 55 ટકાનો ઘટાડો આવ્યો હતો. 2017-18માં થયેલાં 2 અબજ ડોલરની નિકાસની તુલનામાં 2018-19માં નિકાસ ફક્ત 87.6 કરોડ ડોલર રહી છે. તેના માટે વિદેશ વેપાર નિર્દેશાલયે 24 કેરેટ ગોલ્ડ કોઇન અને પેન્ડન્ટની નિકાસ પર લગાવેલ પ્રતિબંધ જવાબદાર હોવાનું પણ જણાવાયું છે. નિકાસકારો આ સુવિધાનો દુરુપયોગ થવાની વ્યાપક ફરિયાદ ઉઠતાં પ્રતિબંધ લદાયો હતો.