નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વર્ષ 2019-20 માટેનું સંપૂર્ણ અથવા રેગ્યૂલર કેન્દ્રીય બજેટ આવતી પાંચ જુલાઈએ સંસદમાં રજૂ કરશે. હાલમાં જ રચાયેલી નવી, 17મી લોકસભાનું સત્ર 17 જૂનથી શરૂ થશે અને તે 26 જુલાઈ સુધી ચાલશે.
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 20 જૂને સંસદમાં બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આર્થિક સર્વેક્ષણ 4 જુલાઈએ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ પાંચ જુલાઈએ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે.
મોદી સરકારની આજે અહીં મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં આ તારીખો નક્કી કરવામાં આવી હતી.
ત્યારબાદ પત્રકાર પરિષદને સંબોધિત કરતાં જાવડેકરે કહ્યું કે સત્રના પહેલા બે દિવસમાં નવા ચૂંટાયેલા સંસદસભ્યોના શપથવિધિ માટે રાખવામાં આવશે. લોકસભાના સ્પીકરની ચૂંટણી 19 જૂને કરવામાં આવશે.
મોદી સરકારની આ બીજી મુદતમાં નવા નાણાં પ્રધાન તરીકે નિયુક્ત કરાયેલાં નિર્મલા સીતારામન બજેટ રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019-20 માટેનું વચગાળાનું બજેટ ગઈ 1 ફેબ્રુઆરીએ તે વખતના નાણાં પ્રધાન પીયૂષ ગોયલે રજૂ કર્યું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 20 જૂને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.
આર્થિક સર્વેક્ષણ 4 જુલાઈએ રજૂ કરવામાં આવશે અને તે પછીના દિવસે, પાંચ જુલાઈએ બજેટ રજૂ કરવામાં આવશે.
આગામી સત્રમાં કુલ 30 બેઠક યોજાશે.