નવી દિલ્હીઃ પુલવામામાં પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મહોમ્મદ દ્વારા સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર ચારે બાજુથી પાકિસ્તાન પર દબાણ બનાવી રહી છે. ભારત દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલો એમએફએનનો દરજ્જો પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ત્યાંથી આયાત થનારા સામાન પર 200 ટકા પહેલાં જ શુલ્ક લગાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવેલી ભારતની આ કાર્યવાહીની અસર હવે દેખાવા લાગી છે.
પાકિસ્તાનનો એમએફએનનો દરજ્જો ખતમ થયા બાદ ભારત દ્વારા લગાવવામાં આવેલા 200 ટકા આયાત શુલ્કના કારણે પાકિસ્તાનની આર્થિક કમર તૂટવા લાગી છે. પાકિસ્તાન દ્વારા ભારત આવનારા સામાનથી ભરેલા ટ્રક બે ગણો ટેક્સ હોવાના કારણે બોર્ડર પરથી પાછા જઈ રહ્યાં છે. આનાથી અબજો રુપિયાનો વ્યાપાર ઠપ થયો છે. આ ટ્રકો બોર્ડર પરથી પાછાં જઈ રહ્યાં હોવાના કારણે પાકિસ્તાનને રોજનું કરોડો રુપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
ભારતમાં સામાન નિર્યાત ન થવાના કારણે પાકિસ્તાનના વ્યાપારીઓમાં હાહાકાર વ્યાપી ગયો છે. જો પાકિસ્તાનથી આવનારા એક ટ્રકમાં 15 લાખ રુપિયાનો સામાન છે તો તે સામાનને ભારતમાં પ્રવેશ માટે તેને 30 લાખ રુપિયાનો ટેક્સ આપવો પડશે.
પાકિસ્તાની મીડિયા અનુસાર, પાકિસ્તાનથી રોજ સીમેન્ટ અને તાજા ફળોની નિર્યાત ભારતમાં કરવામાં આવે છે. પરંતુ બે ગણા ટેક્સના કારણે આ નિર્યાત ઠપ છે. ફળો અને સીમેન્ટથી ભરેલા ટ્રક બોર્ડર પર ઉભા છે. પરંતુ આગળ નથી વધી શકતાં અને ફળો પડ્યાં-પડ્યાં ટ્રકોમાં જ સડી રહ્યાં છે. ફળોનું વેચાણ ન થઈ રહ્યું હોવાના કારણે પાકિસ્તાનના વ્યાપારીઓને રોજનું કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. જો આની સાથે સીમેન્ટના નુકસાનને પણ જોડી દેવામાં આવે તો પાકિસ્તાનને રોજ 100 કરોડ રુપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
પાકિસ્તાન દર વર્ષે આશરે 3500 કરોડ રુપિયાનો સામાન ભારતને નિર્યાત કરે છે. પાકિસ્તાન મુખ્યત્વે તાજા ફળો, સીમેન્ટ, ખનિજ અયસ્ક, અને ચામડાના ઉત્પાદનોની નિર્યાત ભારતમાં કરે છે. એક અનુમાન અનુસાર, પાકિસ્તાનથી રોજ ભારતમાં 400 થી 500 ટ્રક સામાન આવે છે. હવે આ વ્યાપાર ઠપ થયો હોવાના કારણે પાકિસ્તાનને મોટો આર્થિક ઝાટકો લાગ્યો છે.