ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ક્વાર્ટર ટુ ક્વાર્ટર ધોરણે ટર્નઓવર સ્થિર થયું છે અને આગળ જતાં એમાં વધારો થવાની અપેક્ષા છે. ડિસેમ્બર 2019માં સેન્સેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સનું દૈનિક સરેરાશ ટર્ન ઓવર રૂ.1001 કરોડનું હતું તે જાન્યુઆરી 2020માં રૂ.2,266 કરોડનું થયું છે. બીએસઈની સબસિડિયરી ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જનું ટર્નઓવર બહુ ઝડપથી વધી રહ્યું છે. તેના સરેરાશ દૈનિક ટર્નઓવરમાં નવ મહિનામાં 211 ટકાનો વધારો થયો છે અને તેનો બજાર હિસ્સો 83 ટકા થયો છે.
નાણાકીય કામગીરીની જાહેરાત પ્રસંગે બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું, સરકારે ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી બિલ, 2019 પસાર કરીને બહુ મહત્ત્વનું પગલું લીધું છે. આના કારણે આઈએફએસસી ગિફ્ટ સિટીનો વિકાસ થશે. એ ઉપરાંત સરકારે વેરા પક્ષે પણ ટેકો પૂરો પાડતાં બીએસઈના ઈન્ટરનેશનલ એક્સચેન્જ ઈન્ડિયા આઈએનએક્સની કામગીરી ઉત્તમ રહેશે. કરન્સી ફ્યુચર્સ સેગમેન્ટમાં 31 ડિસેમ્બર, 2019 અંતેના નવ મહિનામાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.11,192 કરોડ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં રૂ.17,867 કરોડ રહ્યું હતું જે 43 ટકા બજાર હિસ્સો દર્શાવે છે.
બીએસઈએ કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂપિયામાં દર્શાવેલા બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ માટે આઈસીઈ બ્રેન્ટ ઈન્ડેક્સ સાથે લાઈસન્સિંગ કરાર કર્યો છે. કોમોડિટી સેગમેન્ટમાં અત્યારે 276 મેમ્બર્સ છે અને સરેરાશ દૈનિક ટર્નઓર રૂ203 કરોડ છે. બીએસઈએ પાવર એક્સચેન્જની સ્થાપના માટે સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનમાં લાઈસન્સ માટેની અરજી કરી છે.