નવી દિલ્હી: સાઉદી અરબની સૌથી મોટી રિફાઇનરી કંપની અરામકોના બે પ્લાન્ટ ઉપર હુમલા બાદ ક્રૂડ ઓઇલના ભાવ ઉછળ્યા છે. જેના પગલે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઝડપી ઉછાળો આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અરામકોએ કહ્યું કે, તે આગામી બે દિવસો સુધી ઉત્પાદન ઓછુ રાખશે જેથી ક્ષતિગ્રસ્ત થયેલા ઓઈલના કુવાઓનું સમારકામ થઈ શકે. એક અનુમાન મુજબ હુમલાથી પ્રતિદિવસ 57 લાખ બેરલ ઓઈલના ઉત્પાદનની ઘટ આવી છે. આ ઉપરાંત ઈથેન અને નેચરલ ગેસની સપ્લાઈ પણ પ્રભાવિત થઈ છે.
સવાલ એ છે કે, સાઉદી અરબમાં તેલ ઉત્પાદનમાં ઘટાડાની અસર ભારતને કેટલું પ્રભાવિત કરશે. મહત્વનું છે કે, ભારત તેમની જરૂરીયાતનું 80 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારત પાસે હાલ તેના કુલ વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વનો 55 ટકા જથ્થો છે. જેનો ઉપયોગ કટોકટી વખત કરી શકાય છે. નોંધનીય છે કે ભારતની અંડરગ્રાઉન્ડ પેટ્રોલિયમ સ્ટોરેજ કેપેસિટ 53.3 લાખ ટન છે. જે ભારતની 12 દિવસની ઇંધણની જરૂરિયાત સંતોષી શકે છે.
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓ એ એક ટ્વીટ કરીને કહ્યું કે, હુમલા પાછળ ઈરાનનો હાથ છે. ઈરાને હવે વિશ્વની ઓઈલ સપ્લાઈ પણ હુમલો કર્યો છે. આ દરમ્યાન બધાની નજર ક્રૂડ ઓઈલની કિંમતો પર મંડાયેલી છે. જાણકારોનું કહેવું છે કે, આંતરાષ્ટ્રીય બજારમાં ઓઈલની કિંમતો 100 ડોલર પ્રતિ બેરલ સુધી વધી શકે છે. જો આવુ થશે તો ભારતની ઓઈલની આયાત પર એક મોટો બોજો સાબિત થશે.