નવી દિલ્હીઃ 31 મે સુધી વધારવામાં આવેલા લોકડાઉનના ચોથા તબક્કામાં ખાસ કરીને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ-વ્યવહારને બાદ કરતાં અન્ય બધી આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. 18 મેથી શરૂ થયેલા લોકડાઉન 4.0માં ઈ-કોમર્સને વધુ છૂટછાટો આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે રેડ ઝોનમાં પણ બિનઆવશ્યક માલસામાન (Non-essential goods)ની ડિલિવરીનેમંજૂરી આપી દીધી છે. હવે રેડ ઝોનમાં હોવા છતાં તમે એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવી ઈ-કોમર્સ કંપનીઓ પાસેથી ટીવી, ફ્રિઝ અને એસી જેવી ઘરવપરાશી ચીજવસ્તુઓ ઓર્ડર કરીને મગાવી શકો છો. લોકડાઉન 3.0માં મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓના વેચાણ પર ત્રણે ઝોનમાં પ્રતિબંધ હતો.
ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનમાં જરૂરી અને બિનજરૂરી સામાન વેચવાની મંજૂરી
લોકકડાઉન 4.0માં ત્રણે ઝોન – ગ્રીન, ઓરેન્જ અને રેડમાં ઈ-કોમર્સને જરૂરી અને બિનજરૂરી સામાન વેચવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે કન્ટેનમેન્ટ ઝોનમાં જરૂરી અને બિનજરૂરીમાં કોઈ પણ પ્રકારના સામાનને વેચવાની મંજૂરી નથી મળી.
આશરે બે મહિના પછી બિનજરૂરી સામાનની ડિલિવરી
25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉનનો પ્રારંભ થયો હતો. લોકડાઉનને લીધે બિનજરૂરી માલસામાનન વેચાણ પર પ્રતિબંધ હતો. હવે આશરે બે મહિના પછી સરકાર દ્વારા ઈ-કોમર્સ કંપનીઓને બિનજરૂરી સામાનની ડિલિવરીની મંજૂરી આપવામાં આવી છે. ચોથી મેથી ઈ-કોમર્સ કંપનીઓને માત્ર ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં બિનજરૂરી સામાનની ડિલિવરીની મંજૂરી આપવામાં આવી હતી.
કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર અનિવાર્ય સર્વિસિસને મંજૂરી
કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર અનિવાર્ય સર્વિસિસને જ મંજૂરી આપવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાનો અધિકાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટી તંત્રને આપવામાં આવ્યો છે. આ સંબંધે એમેઝોન અને ફ્લિપકાર્ટને મોકલવામાં આવેલા ઈમેઇલનો જવાબ નથી મળ્યો. બીજી બાજુ, પેટીએમ મોલના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રીનિવાસ મોઠેએ કહ્યું હતું કે સરકારના આ પગલાથી કંપનીઓને રેડ ઝોનના મોટા ભાગનાં મોટાં શહેરોના કેટલાક વિસ્તારોમાં ડિલિવરી કરવામાં મદદ મળશે. સ્નેપડીલના પ્રવક્તાએ કહ્યું હતું કે મંત્રાલયના દિશા-નિર્દેશોથી દેશના મોટા ભાગના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓ ફરીથી શરૂ થવામાં મદદ મળશે.