NDDBએ પંજાબ નેશનલ બેંકની સાથે MoU કર્યા

આણંદઃ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે (NDDBએ) મિલ્ક યુનિયનો/ફેડરેશનો, મલ્ટિ-સ્ટેટ કો-ઓપરેટિવ્સ, ઉત્પાદક કંપનીઓ જેવી ઉત્પાદકોની માલિકીની સંસ્થાઓ અને NDDBની સહાયક કંપનીઓ સહિત સહકારી ક્ષેત્રમાં કાર્યરત લાભાર્થી સંગઠનો (BO)ને ધિરાણ પૂરું પાડવા માટે પંજાબ નેશનલ બેંક (PNB)ની સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. NDDBના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એસ. રઘુપતિ અને પીએનબીના જનરલ મેનેજર દીપાંકર મહાપાત્રાએ NDDBના ચેરમેન મિનેશ શાહની ઉપસ્થિતિમાં આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર પાંચ વર્ષ માટે લાગુ રહેશે.આ પ્રસંગે શાહે જણાવ્યું હતું કે બંને સંગઠનો વચ્ચે સાધવામાં આવેલો આ સહકાર ઉત્પાદકોની માલિકીની સંસ્થાઓ માટે ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ થવાથી ડેરી વેલ્યુ ચેનમાં નિઃશંકપણે વધુ કાર્યક્ષમતા લાવશે. તેનાથી દૂધ અને દૂધનાં ઉત્પાદનોની વધતી જઈ રહેલી માગને કારણે પેદા થયેલા પડકારોના સ્થાયી અને નવીન પ્રકારના ઉકેલો શોધવાના અમારા પ્રયાસો વધુ સમૃદ્ધ બનશે.

પાત્ર BOને ધિરાણ પ્રાપ્ત થાય તે માટે ડેરી બોર્ડ PNB સમક્ષ આવી BOને સમર્થન પૂરું પાડશે તથા મૂલ્યાંકન રિપોર્ટ તૈયાર કરવા માટે ટેક્નિકલ સપોર્ટ અને સલાહસૂચનો પણ આપશે. વધુમાં, NDDB કન્સલ્ટન્સી એગ્રીમેન્ટ હેઠળ NDDB દ્વારા હાથ ધરવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સ માટે PNBને પિરિયોડિક પ્રોગ્રેસ રિપોર્ટ સોંપશે.PNB પરસ્પર સંમત થયેલા કરારને આધારે સમયાંતરે RBIની માર્ગદર્શિકા અને આંતરિક માર્ગદર્શિકા અનુસાર ડેરી ઉદ્યોગ અને અન્ય સંબંધિત આંતરમાળખું વિકસાવવા માટે ટર્મ લોનના સ્વરૂપમાં નાણાકીય સહાય પૂરી પાડશે. તેમાં BOના લાભ માટે કાર્યકારી મૂડીની સહાય અને ડેરી આંતરમાળખું વિકસાવવા, મૂલ્યવર્ધિત ઉત્પાદનોના ઉત્પાદન, દૂધના ટેસ્ટિંગ, ઢોરોના ઘાસચારા અને પૂરક આહાર, દૂધના પરિવહન, માર્કેટિંગના આંતરમાળખા, આઇસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંશોધન અને વિકાસ, પુનઃપ્રાપ્ય ઊર્જાનું આંતરમાળખું અને કાર્યક્ષમતા વધારવા માટેનું અન્ય આંતરમાળખું, ડેરી ઉત્પાદનો અને અન્ય સંબંધિત ચીજવસ્તુઓના પેકેજિંગ, તાલીમ કેન્દ્રો, ડેરી ઉપકરણોના ઉત્પાદન, બાયોલોજિકલ્સ અને ન્યુટ્રાસ્યુટિકલ્સ, ખાતરના મેનેજમેન્ટ વગેરે માટે ટર્મ લોન પૂરી પાડવાનો સમાવેશ થાય છે. PNB નીચા વ્યાજદરોએ નાણાકીય સહાય પૂરી પાડશે તથા કેન્દ્ર/રાજ્ય સરકારોની યોજના હેઠળ વ્યાજસહાય ઉપલબ્ધ છે કે નહીં તેની પણ જાણકારી મેળવશે.