એરિક્સનને ફટકો: આરકોમ પરનો નાદારી પ્રક્રિયાનો પ્રતિબંધ હટાવાયો

નવી દિલ્હી- પોતાના બાકી નાણાં મેળવવા માટે છેલ્લા લાંબા સમયથી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) સામે કેસ લડી રહેલી કંપની એરિક્સને એક મોટો ફટકો પડયો છે. અપીલીય ટ્રિબ્યુનલે NCLAT એ આરકોમ વિરુદ્ધ નાદારી પ્રક્રિયા શરુ કરવા માટે લાગેલા પ્રતિબંધને હટાવી દીધો છે. હવે એરિક્સને આરકોમ પાસેથી મેળવેલા 576 કરોડ પરત કરવા પડે તેવી શક્યતા છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જેલમાં જવાથી બચવા માટે અનિલ અંબાણીએ એરિક્સને વ્યાજ સાથે કુલ 576 કરોડ રૂપિયા ચૂકવ્યા હતાં.

ન્યાયમૂર્તિ એસ.જે.મુખોપાધ્યાયના નેતૃત્વ હેઠળની બે સભ્યોની બેન્ચે કહ્યું કે, સુપ્રીમ દ્વારા કરેલા આદેશને ધ્યાનમાં રાખતા અમે અપીલકર્તા (આરકોમ)ની અપીલને પરત લેવાની મંજૂરી આપીએ છીએ. નાદારી પ્રક્રિયા પર પ્રતિબંધ મુકેલો વચ્ચગાળાનો આદેશ હટાવી દેવામાં આવે છે. આરકોમે તેમની વિરુદ્ધ નાદારી પ્રક્રિયા શરુ કરવાના એનસીએલટીના આદેશને પડકાર્યો હતો. આરકોમ વિરુદ્ધ નાદારી પ્રક્રિયા હવે મુંબઈની નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની ખંડપીઠમાં ચાલશે.

ઉલ્લેખનીય છે કે, એરિક્સને 1500 કરોડ રૂપિયાથી વધુના લેણાની ચૂકવણી ન થવા પર વર્ષ 2017માં આરકોમ વિરુદ્ધ પ્રતિબંધ પ્રક્રિયા શરુ કરી હતી. મુંબઈની પીઠે અરજી સ્વીકાર કરી હતી, પરંતુ આરકોમ દ્વારા એરિક્સનને બાકીની રકમની ચૂકવણી બાદ એનસીએલએટીએ નાદારી પ્રક્રિયા પર પ્રતિબંધ મુકી દીધો હતો.