નવી દિલ્હીઃ દેશમાં 5જી સેવાઓ આપવા માટે સરકાર દરેક શક્ય પ્રયાસો કરી રહી છે. આ વચ્ચે દૂરસંચાર કંપનીઓએ પણ તૈયારીઓ શરુ કરી દીધી છે. દિગ્ગજ વ્યાપારી મૂકેશ અંબાણીની કંપની રીલાયન્સ જિઓ પણ 5જી સેવાઓ આપવા માટે તૈયારીઓમાં જોડાઈ ગઈ છે. કંપનીએ 5જી સેવાઓ આપવા માટે સ્પેક્ટ્રમ ખરીદવા અને બ્રોડબેંડ માટે ફાઈબર નેટવર્ક વધારવા માટે 3500 કરોડ રુપિયાનું ઋણ લેવાની યોજના બનાવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઋણને એકત્ર કરવા માટે કેટલીક એશિયાઈ બેંક જિઓની મદદ કરી રહી છે. આ પહેલાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રી દ્વારા પણ 12,840 કરોડ રુપિયાનું ઋણ લીધું હોવાના સમાચારો સામે આવ્યાં હતાં. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેંક ઓફ ચાઈના, સુમિતોમો મિત્સુઈ બેંકિંગ કોર્પ, ડેવલપમેન્ટ બેંક ઓફ જાપાન, ડીબીસી, એસએસબીસી, જેપી મોર્ગન, બાર્કલેજ અને ફર્સ્ટ અબૂ ધાબી બેંક જેવી ઈન્વેસ્ટમેન્ટ બેંક બંને કંપનીઓને ઋણ આપવામાં મદદ કરી રહી છે.
દૂરસંચાર વિભાગ દેશમાં 5જી સેવાઓ આપવા માટે તેજીથી કાર્ય કરી રહ્યું છે. આના માટે સપ્ટેમ્બરમાં સ્પેક્ટ્રમની નિલામી કરવામાં આવી શકે છે. આ દેશની સૌથી મોટી સ્પેક્ટ્રમ નીલામી હશે.
5જી માટે 3300-3600 મેગાહર્ટ્સ બેંક સ્પેક્ટ્રમની નીલામી કરવામાં આવશે. આના માટે ટેલીકોમ રેગ્યુલેટરી ટ્રાઈએ કીંમત નક્કી કરી દીધી છે. જો કે ટેલીકોમ કંપનીઓ આની કીંમત વધારે જણાવી રહી છે.