નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આરબીઆઈએ છેવટે દેશની બેંકોના 30 મોટા દેવાદારોની વિગતો જાહેર કરી દીધી છે. આ લોકોએ જાણીબૂઝીને બેંકોની લોન પાછી ચૂકવી નથી. તેમાંથી કેટલાક દેશ છોડીને ફરાર થઈ ગયેલાં છે. એક સંસ્થા દ્વારા માહિતી અધિકાર હેઠળ માગવામાં આવેલી જાણકારીમાં દેશના 30 મોટા બેંક દેણદારોની વિગતો સામે આવી છે. મે 2019માં કરાયેલી અરજીમાં આરબીઆઈએ 30 એપ્રિલ 2019 સુધીના 30 મોટા દેણદારોની માહિતી આપી છે. આ 30ની કંપનીઓ પાસે કુલ 50,000 કરોડથી વધુ લેણાં બાકી છે. આમાં હીરાવેપારી મેહુલ ચોકસી અને નીરવ મોદીની કંપનીઓના નામ પણ છે.
સિબિલ ડેટા પ્રમાણે 2018ના ડીસેમ્બર સુધી 11,000 કંપનીઓ પાસે કુલ 1.61 લાખ કરોડથી વધુ રકમ બાકી છે. આરબીઆઈ દ્વારા જારી વિલફુલ ડીફોલ્ટરનો ડેટા કેન્દ્રીયકૃત બેંકિગ પ્રણાલી ડેટાબેઝથી આવે છે જેને સીઆરઆઈએલસી- સેન્ટ્રલ રીપોઝિટરી ઓફ ઇન્ફોરમેશન ઓન લાર્જ ક્રેડિટસ કહેવામાં આવે છે. આ 5 કરોડથી વધુની ઉધારી લેનારા ઉધારીયાઓની ક્રેડિટ જાણકારી માટેનો કેન્દ્રીકૃત પુલ છે.
આરબીઆઈએ 30 દેણદાર કંપનીઓની લિસ્ટ અને તેમના પર બારી લેણાંનું વિવરણ આપ્યું છે, પરંતુ એ નથી જણાવ્યું કે કેટલી રકમ બેડ લોન છે. આરબીઆઈ લિસ્ટ પ્રમાણે ગીતાંજલિ જેમ્સ 5044 કરોડની રકમ સાથે ટોચ પર છે. જ્યારે ડાયમન્ડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર 869 કરોડ રુપિયા સાથે સૌથી છેલ્લાં ક્રમાંકે છે. આ ઉપરાંત, રોટોમેક ગ્લોબલ, જૂમ ડેવલપર્સ, ડેક્કન ક્રોનિકલ હોલ્ડિંગ્ઝ, વિનસમ ડાયમન્ડ્સ, આરઈઆઈ એગ્રો, સિદ્ધિવિનાયક લોજિસ્ટિક અને કુડોઝ કેમીના નામનો સમાવેશ થાય છે. આ બધી કંપનીઓ અથવા તેના પ્રવર્તકો પર પાછલા પાંચ વર્ષમાં સીબીઆઈ કે ઈડીએ પણ સકંજો કસ્યો છે.
વિલફુલ ડીફોલ્ટર લિસ્ટમાં અન્ય કેટલીક કંપનીઓના નામ પણ છે જોકે એ સ્પષ્ટ નથી તે તેના પ્રમોટરો તરફથી પણ કોઇ બદઇરાદે કામ કરાયું છે કે નહીં. આવી કંપનીઓમાં એબીજી શિપયાર્ડ, રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ, હનુંગ ટોયઝ એન્ડ ટેક્સટાઈલ્સ, એસ કુમાર્સ નેશનવાઈડ અને કેએસ ઓલ્સ લિમિટેડ શામેલ છે.જણાવીએ કે ડીસેમ્બર 2017માં આઈડીબીઆઈ બેંકે રુચિ સોયાને વિલફુલ ડીફેલ્ટર ઘોષિત કરી હતી॥ એમાંથી કેટલીક કંપનીઓ કથિતપણે એ યાદીનો ભાગ પણ છે જે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પીએમઓને સોંપી હતી. રાજને કથિતપણે તપાસ સંસ્થાઓ દ્વારા બેંક ફ્રોડના મામલાઓમાં ત્વરિત કાર્યવાહી કરવાના હેતુથી એક સૂચિપીએમઓને સોંપી હતી.