મુંબઈઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રગણ્ય કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T)એ કહ્યું છે કે મુંબઈ-અમદાવાદ વચ્ચેના હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ) માટે એને રૂ. 2,500 કરોડનો એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. મુંબઈ શેરબજારમાં નોંધાવેલી જાણકારીમાં કંપનીએ કહ્યું છે કે તેને આ ઓર્ડર પ્રોજેક્ટ માટે સ્ટીલના 28 બ્રિજ બાંધી આપવા માટે, એસેમ્બલ કરી આપવા, રંગકામ કરી આપવા અને ટ્રાન્સપોર્ટ કરી આપવા માટે આપવામાં આવ્યો છે. આ બ્રિજ માટે આશરે 70 હજાર ટન સ્ટીલ વાપરવામાં આવશે.
ભારતનો આ પહેલો જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હશે. તે 508 કિ.મી. લાંબો હશે. બુલેટ ટ્રેન પ્રતિ કલાક 320 કિ.મી.ની ઝડપે દોડશે. ટ્રેન મહારાષ્ટ્ર, કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી તથા ગુજરાતમાંથી પસાર થશે. મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર માત્ર બેથી ત્રણ કલાકમાં જ પૂરી કરશે. રૂટ પર 12 સ્ટેશન બાંધવામાં આવશે.