નવી દિલ્હીઃ ટેલિકોમ ઓપરેટર રીલાયન્સ જિઓ ઇન્ફોકોમે દેશને ડિજિટલી સમૃદ્ધ બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે તેના યુઝર્સ માટે વધુ એક સગવડ લોન્ચ કરી છે. હવેથી કોઈપણ જિઓફોન યુઝર્સ બ્રાન્ડ ન્યુ જિઓ રેલએપ દ્વારા આઇઆરસીટીસીની રિઝર્વ્ડ ટિકિટ બૂકિંગ સર્વિસનો લાભ મળશે. આ એપની મદદથી ગ્રાહકો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઇ-વોલેટ દ્વારા ટિકિટ બૂક કરાવી શકશે, રદ કરાવી શકશે અને પીએનઆર સ્ટેટસ ચકાસી શકશે, ટ્રેનની માહિતી મેળવી શકશે, સમય જાણી શકશે, રૂટની જાણકારી મેળવી શકશે. સીટની ઉપલબ્ધતા જાણી શકશે અને કેટલીક બીજી સેવાઓ પણ જિઓફોનના બટન પર ક્લિક કરીને જાણી શકશે.
જિઓ એપસ્ટોરમાં ઉપલબ્ધ જિઓ રેલએપ છેલ્લી ઘડીએ નક્કી થતા ટ્રાવેલ પ્લાન માટે તત્કાલ બુકિંગની સેવા પણ પૂરી પાડશે. જો યુઝર્સ પાસે આઇઆરસીટીસી એકાઉન્ટ ન હોય તો પણ એપ દ્વારા તે એકાઉન્ટ બનાવી શકે છે અને તેના પછી ટિકિટ બૂકિંગ કરાવી શકે છે. તેની સાથે જિઓરેલ દ્વારા ટિકિટ બુક કરનારા યુઝર્સ તેના પર ટ્રેનનું પીએનઆર સ્ટેટસ પણ ચકાસી શકશે, ચેન્જ એલર્ટ મેળવી શકશે, ટ્રેનનું લોકેશન અને ભવિષ્યમાં ફૂડ ઓર્ડરની સેવા પણ મેળવી શકશે.
જિઓ રેલ એપ પર ટ્રેન ટિકિટનું બૂકિંગ દ્વારા ગ્રાહકો લાંબી લાઇનમાં ઊભા રહેવાની જહેમત ટાળી શકશે અને ટિકિટ બૂક કરાવવા બદલ એજન્ટને ફી ચૂકવવાથી પણ બચી શકશે. તેના સાથે ડિજિટલ લાઇફનો ફાયદો પણ મેળવી શકશે.