IPO 2023: આ શેરોએ આપ્યું નોંધપાત્ર વળતર

નવી દિલ્હીઃ વર્ષ 2023માં IPO માર્કેટમાં જોરદાર હલચલ રહી છે. જુલાઈંમાં પ્રાઇમરી માર્કેટમાં તેજી રહી હતી. રોકાણકારોના જબરદસ્ત ઉત્સાહ અને ધમાકેદાર લિસ્ટિંગથી પ્રાઇમરી માર્કેટ હાલના દિવસોમાં નોંધપાત્ર દેકાવ કરી રહ્યું છે. સેકન્ડરી માર્કેટની તેજીનો લાભ પ્રાઇમરી માર્કેટને ફળ્યો છે.

આ વર્ષે કુલ 18 કંપનીઓના શેરો અત્યાર સુધી મેનબોર્ડ પર લિસ્ટ થઈ ચૂક્યા છે, જેમાંથી પાંચમાં લિસ્ટિંગના દિવસે બ્લોકબસ્ટર વળતર આપ્યું છે. એમાંથી રોકાણકારોને 50 ટકાથી 93 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે. જ્યારે લિસ્ટિંગ ના દિવસે ઇન્ટ્રા-ડેમાં એક શેરે 100 ટકા વળતર આપ્યું છે. જ્યારે બે કંપનીઓએ IPOમાં નકારાત્મક વળતર આપ્યું છે. કુલ 18 શેરોમાંથી 16 શેરોએ લિસ્ટિંગના દિવસે પ્રોત્સાહક વળતર આપ્યું છે.

આઇડિયા-ફોર્જ ટેક્નોલોજીએ લિસ્ટિંગ ડેએ ઇશ્યુ પ્રાઇઝ રૂ. 672ની તુલનાએ રૂ. 1295.5 ટકા બંધ થયો હતો એટલે કે 93 ટકા વળતર આપ્યું છે. આ સાથે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કે ઇશ્યુ પ્રાઇઝ રૂ. 25ની સામે 92 ટકા વધીને રૂ. 47.94એ બંધ આવ્યો હતો. આ સાથે નેટવેબ ટેક્નોએ 82 ટકા, SBFC ફાઇનાન્સે 62 ટકા, સાયન્ટ DLMએ 59 ટકા, આઇકિઓએ 42 ટકા, મેનકાઇન્ડ ફાર્માએ 32 ટકા, સાહ પોલિમર્સે 37 ટકા, સેન્કોએ 28 ટકા વળતર લિસ્ટિંગ ડેએ આપ્યું હતું. આમ આ વર્ષે રોકાણકારોને પ્રાઇમરી માર્કેટમાં કંપનીઓના IPOએ સારુંએવું વળતર આપ્યું છે.