નવી દિલ્હીઃ બંગલાદેશ સહિત છ પડોશી દેશોની સાથે સ્થાનિક કરન્સીમાં ટ્રેડ કરવાની તૈયારી ભારતે કરી લીધી છે. ભારતના આ પ્રસ્તાવ પર શ્રીલંકા અને બંગલાદેશ પહેલાં જ હા કહી ચૂક્યા છે. સરકારના આ પગલાનો હેતુ ટ્રેડ કોસ્ટમાં બચત અને આંતરરાષ્ટ્રીય ટ્રેડમાં ડોલર પરની નિર્ભરતા ઓછી કરવાનો છે.
છેલ્લાં બે વર્ષથી ભારત રશિયાની સાથે મોટા પાયે વેપાર સ્થાનિક કરન્સી એટલે કે રૂપી-રૂબલમાં સફળતાપૂર્વક થઈ રહ્યો છે, પણ હવે ભારત એક નવી યોજના પર કામ કરી રહ્યું છે, જેમાં BIMTEC- એટલે કે છ પડોશી દેશો- બંગલાદેશ, ભૂતાન, નેપાળ, ઇન્ડિયા, શ્રીલંકા, મ્યાનમાર અને થાઇલેન્ડની વચ્ચે આપસી વેપાર સ્થાનિક કરન્સીને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી અમેરિકી ડોલર પરની નિર્ભરતા ઓછી થઈ શકે. નિષ્ણાતોનું માનવું છે કે સ્થાનિક કરન્સીમાં સેટલમેન્ટથી ટ્રેડ ખર્ચમાં 5-6 ટકાની બચત થઈ શકે છે.
વાસ્તવમાં વૈશ્વિક વેપારમાં આશરે 40 ટકા લેવડદેવડ હજી અમેરિકી ડોલર દ્વારા થાય છે. જિયો પોલિટિકલ ટેન્શન, આર્થિક પ્રતિબંધો, વેપારની અનિયમિતતાના દોરમાં બહુબધા દેશો કોઈ એક કરન્સી ઉપર નિર્ભર રહેવા નથી ઇચ્છતા અને તેઓ ડોલરનો વિકલ્પ શોધી રહ્યા છે. આવામાં ઇન્ડિયન રૂપી ઇન્ટરનેશનલ કરન્સીની ભૂમિકા નિર્ણાયક રીતે નિભાવી શકે છે.
રશિયા અને મધ્ય-પૂર્વ સહિત 20 દેશોની સાથે ભારત ઇન્ડિયન રૂપીમાં દ્વિપક્ષી વેપાર માટે સમજૂતી કરી ચૂક્યો છે, પણ હવે આ ચળવળમાં હવે પડોશી દેશોને પણ જોડવાની તૈયારી છે, જેથી વૈશ્વિક અનિશ્ચિતતાના દોરમાં વિદેશી એક્સચેંજના સંકટમાં બધા દેશો સક્ષમતાથી મુકાબલો કરી શકે. એ સાથે આયાત-નિકાસ ખર્ચમાં ઘટાડો કરી શકે.