મુંબઈ- દેશમાં સોનાની માગને લઈને ચાલુ વર્ષે જાન્યુઆરી માર્ચ દરમિયાન પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે આ સમયગાળા દરમિયના કુલ માગ 159 ટન પર પહોંચી ગઈ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.
WGCએ તેમના રિપોર્ટમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોનાની માગના વલણ અંગે કહ્યું કે, લગ્નની સિઝનમાં કિંમતોમાં ઘટાડાને પગલે સોનાની માગમાં વધારો જોવા મળ્યો છે.
ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચની વાત કરીએ તો, વર્ષ 2018માં આ સમયગાળાની સરખામણીએ લગ્નના મુહૂર્ત ત્રણ ગણા વધારે છે. આ જ કારણે સોનાના વેચાણ જોરદાર રહ્યું છે. કિંમતોના હિસાબે કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં સોનાની માગ 13 ટકાના વધારે સાથે 47,010 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિકગાળામાં 41,680 કરોડ રૂપિયા હતી.
ચાલુ વર્ષે પ્રથમ ત્રિમાસિક ગાળામાં આભૂષણોની માગ 5 ટકા વધીને 125.4 ટન રહી, જેથી વૈશ્વિક માગમાં વધારો થયો અને છૂટક અનુમાન મજબૂત થયું. WGCના ભારતીય નિદેશક સોમસુંદરમ પીઆરે કહ્યું કે, જાન્યુઆરી માર્ચ 2019માં લગ્નના 21 મુહૂર્તો છે. આ કારણે પણ માગમાં વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે, ડોલર સામે રૂપિયાની મજબૂતી અને સ્થાનિક સ્તર પર સોનાની કિંમતોમાં ઘટાડાને પગલે પ્રથમ ત્રિમાસિકગાળામાં સોનાની માગ વધીને 159 ટન પર પહોંચી ગઈ છે.
સોમસુંદરમે વધુમાં કહ્યું કે, સોનાની ખરીદી માટે ઓનલાઈન પ્લેટફોર્મ લોકપ્રિય થઈ રહ્યું છે. ઈન્ટરનેટના માધ્યમથી સોનામાં રોકાણ સેવાઓ પૂરી પાડતા યુપીઆઈ પ્લેટફોર્મની સાથે પ્રભાવીત બજાર ભાગીદારીને પ્રોત્સાહન આપી રહ્યાં છે. અહીં રોકાણકારોને તેમના સ્માર્ટફોન મારફતે ઓછામાં ઓછા 1 રૂપિયાની સોનાની ખરીદી ઉપલબ્ધ કરાવી રહ્યાં છે.
સોમસુંદરમે વધુમાં કહ્યું કે, લગ્નની સિઝન, અક્ષય તૃતીયા અને ખેત પેદાશોની વધતી જતી કિંમતોને પગલે બીજા ત્રિમાસિકગાળામાં સોનાની માગમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. આ વર્ષે કાઉન્સિલે ભારતમાં 750 850 ટન સોનાની માગ રહેવાનું અનુમાન લગાવ્યું છે.