નવી દિલ્હી- ખાંડ ઉદ્યોગોનું પ્રમુખ સંગઠન ઈન્ડિયન સુગર મિલ સંઘ ઈસ્મા(ISMA)એ જણાવ્યું કે, દેશમાં ખાંડનું ઉત્પાદન ઓક્ટોબર 2018થી શરૂ થયેલા માર્કેટિંગ વર્ષના પ્રથમ સાત મહિનામાં 3.21 કરોડ ટન પર પહોંચ્યું છે. આ સાથે જ કુલ ઉત્પાદન પણ 3.3 કરોડ ટનની સપાટીએ નવા રેકોર્ડે સ્પર્શે તેવી ધારણા છે.
ઈસ્માના જણાવ્યા અનુસાર મોટાભાગની ખાંડનું ઉત્પાદન પહેલાથી જ કરવામાં આવ્યું છે, વર્તમાન સમયમાં થોડીક જ મિલો તેની કામગીરી કરતી હોય છે. વર્ષ 2017 18ના માર્કેટિંગ વર્ષ(ઓક્ટોબર સપ્ટેમ્બર) દરમિયાન દેશમાં ખાંડનું 3.25 કરોડ ટન રેકોર્ડ ઉત્પાદન થયું હતું. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ છે, જ્યાં વાર્ષિક ઘરેલું જરૂરિયાત 2.6 કરોડ ટનની છે.
ઈન્ડિયન સુગર મિલ ઓસોસિએશન(ઈસ્મા)ના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઓક્ટોબર 2018 થી એપ્રિલ 2019 વચ્ચે મિલો દ્વારા 3.21 કરોડ ટન ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. 30 એપ્રિલના રોજ માત્ર 100 મિલો કાર્યરત હતી.
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, અને કર્ણાટકએ દેશના ટોચના ત્રણ મુખ્ય ખાંડના ઉત્પાદક રાજ્યો છે, જેઓએ વર્ષ 2018 19ના માર્કેટિંગ વર્ષમાં ઓક્ટોબર એપ્રિલના સમયગાળા દરમિયાન અનુક્રમે 1.13 કરોડ ટન, 1.07 કરોડ ટન અને 43.2 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું.
ઈસ્માએ અનુમાન લગાવ્યું છે કે, વર્તમાન વર્ષમાં દેશભરમાં ખાંડનું ઉત્પાદન 3.3 કરોડ ટન રહેવાની ધારણા છે, જે અગાઉના વર્ષની સરખામણીએ 5,૦૦,૦૦૦ ટન વધારે હશે.