રેલવેએ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવીને 360 કરોડની કમાણી કરી

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહામારીમાં મજૂરોની સુવિધા માટે ભારતીય રેલવે દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. રેલવેના જણાવ્યાનુસાર, ગઈ 1 મેથી શરૂ કરાયેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દ્વારા અત્યાર સુધીમાં આશરે 60 લાખ જેટલા પ્રવાસી મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ દરમિયાન 4450 જેટલી ટ્રેનો ચલાવવામાં આવી છે અને રેલવેએ ભાડા રૂપે 360 કરોડ રુપિયાની કમાણી કરી છે. આ દરમિયાન પ્રતિ વ્યક્તિ ભાડું 600 રુપિયા રખાયું હતું.

રેલવે બોર્ડના ચેરમેન બી.કે યાદવે કહ્યું કે, એક શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો ખર્ચ આશરે 80 લાખ રુપિયા આવે છે. આ ખર્ચનો 85 ટકા જેટલો ખર્ચ રેલવેએ જ્યારે 15 ટકા ખર્ચ જે તે રાજ્યએ ભોગવ્યો છે. આ શ્રમિક ટ્રેનો માટે સરેરાશ ભાડું 600 રુપિયા પ્રતિ વ્યક્તિ રહ્યું છે. આ મેલ અથવા એક્સપ્રેસ ટ્રેનનું સામાન્ય ભાડું છે જ્યારે સ્પેશિયલ ટ્રેનમાં આનાથી વધારે ભાડું થાય છે. આ ટ્રેનો દ્વારા અમે 60 લાખ જેટલા લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડ્યા છે.

બી.કે.યાદવે કહ્યું કે, મોટાભાગના પ્રવાસી મજૂરો પોતાના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચી ચૂક્યા છે. હવે આવા સમયે એવા ખૂબ ઓછા મજૂર બચ્યા છે કે જેઓ પોતાના ઘરે પાછા જવા ઈચ્છે છે. અમે 3 જૂન સુધી વિભિન્ન રાજ્યોને તેમની જરુરતના હિસાબથી ટ્રેનોની માંગ વિશે પૂછ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]