મુંબઈ – ગુજરાતના ગિફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટરમાં આવેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેંજ (આઈએનએક્સ)ને સોવા કેપિટલ મારફત મોસ્કો એકસચેંજ (મોએક્સ)માં ટ્રેડિંગ કરવાની નિયમન સંસ્થા ‘સેબી’એ મંજૂરી આપી છે.
આ એકસચેંજ (ઈન્ડિયા આઈએનએક્સ) બીએસઈની સબસિડીયરી છે.
મોસ્કો એક્સચેંજ ઓઈલ, ગોલ્ડ અને અન્ય કિંમતી ધાતુના ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં સ્પેશ્યલાઈઝેશન ધરાવે છે. આ ઉપરાંત તે ઈક્વિટી, કરન્સી, સિંગલ સ્ટોક ફ્યુચર્સમાં પણ ટ્રેડિંગ કરે છે.
ઈન્ડિયા આઈએનએક્સના સભ્યોને આ ટ્રેડિંગમાં ભાગ લેવાનો લાભ મળી શકે એ માટે એક્સચેંજે સોવા કેપિટલ સાથે કરાર કર્યા છે. જેને નિયમનકારની મંજૂરી મળી ગઈ છે.
સોવા કેપિટલ મોસ્કો એક્સચેંજની સભ્ય છે. આ કરારના ભાગરૂપ સોવા કેપિટલ ઈન્ડિયા આઈએનએક્સની સભ્ય બનવાની પણ દરખાસ્ત ધરાવે છે.
આ સાથે બીએસઈ ગ્રુપ અને મોસ્કો એક્સચેંજ ગ્રુપ વચ્ચે વેપાર સંબંધ વધવાની આશા છે. જે ભારત અને રશિયા વચ્ચેના સંબંધને પણ વધુ ગાઢ બનાવશે.
ઈન્ડિયા આઈએનએક્સના સીઈઓ અરુણકુમાર ગણેસનના જણાવ્યાનુસાર આ કરારને પગલે ઈન્ટરનેશનલ એક્સચેંજમાં કાર્યરત ગ્લોબલ ઈન્વેસ્ટરોને પણ તેનો લાભ પ્રાપ્ત થશે.