વોશિંગ્ટનઃ અમેરિકા અને ભારત સુરક્ષા અને નાગરિક પરમાણુ સહકારને મજબૂત બનાવવા અને ભારતમાં 6 યુએસ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ બનાવવા માટે સંમત થયા છે. બન્ને દેશોએ આ માહિતી સંયુક્ત નિવેદનમાં આપી હતી. ઉલ્લેખનીય છે કે, વોશિંગટનમાં બે દિવસની વાટાઘાટ પછી બન્ને દેશો આ મુદ્દે સંમત થયા છે. ભારત તરફથી, વિદેશ સચિવ વિજય ગોખલે અને અમેરિકાના આર્મ્સ કન્ટ્રોલ અને ઈન્ટરનેશનલ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના રાજ્યના અન્ડર સેક્રેટરી એન્ડ્રીયા થોમ્પસને આ વાતચીતમાં હાજરી આપી હતી.
બન્ને દેશોના સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમે દ્વિપક્ષીય સુરક્ષા અને નાગરિક પરમાણુ સહયોગને મજબૂત કરવા સાથે ભારતમાં અમેરિકી પરમાણુ ઉર્જા પ્લાન્ટના નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ. જો કે, નિવેદનમાં પરમાણુ ઉર્જા પ્લાન્ટ બાબતમાં વધુ માહિતી આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળ અમેરિકા દુનિયાના ત્રીજા સૌથી મોટા ઓઈલ ખરીદનાર ભારતમાં તમામ સંભાવનાઓ જોવા મળી રહી છે અને આ કડીમાં તે ભારતને વધુ ઉર્જા ઉત્પાદન વેચવા માંગે છે. નોંધનીય છે કે, બન્ને દેશો લગભગ એક દસકાથી ભારતને અમેરિકન ન્યૂક્લિયર રિએક્ટર્સનો પુરવઠા પર મંથન કરી રહ્યા છે. જો કે, નિયમ-કાયદાને કારણે અત્યાર સુધી અમલ નથી થયો.