નવી દિલ્હી- રિમ્બર્સમેન્ટ માટે બોગસ બિલ જમા કરનારા હવે સાવધાન. વર્ષ 2019 20 માટે આવકવેરા અધિકારીઓ હવે ઈનકમ સ્ટેટમેન્ટ સાથે જોડાયેલા રિમ્બર્સમેન્ટ અને ભથ્થાંઓ માટે પૂછપરછ કરી શકે છે. આવું કરનારને હવે આવકને લઈને ખોટી માહિતી આપવા બદલ ટેક્સ નોટીસ પણ મળી શકે છે. કન્વેનન્સ બિલ, મકાન ભાડું, મુસાફરી ભાડું (LTA) માટે બોગસ ટેક્સ માહિતી દાખલ કરવા પર આ નોબત આવી શકે છે.
હકીકતમાં કેટલાક કરદાતા બોગસ બિલોને સહારે તેમના નોકરીદાતા પાસેથી ટેક્સ છૂટ મેળવવા માટે ખોટી માહિતી દાખલ કરી રહ્યાં છે. ખાસ કરીને HRA અને LTA માટે આવું કરવામાં આવે છે. ઉચ્ચ પદ પર નિયૂક્ત ટેક્સ અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, નવું ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફોર્મ કોમ્પ્યુટર આધારિત પ્રોસેસિંગ મારફતે આ પ્રકારના મામલાઓની ઓળખ કરવામાં મદદ કરશે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ નકલી બિલ, દસ્તાવેજો મારફતે ભથ્થા/રિમ્બર્સમેન્ટમાં છૂટ મેળવાની પ્રવૃત્તિને રોકવા માટે વર્ષ 2019 20 માટે નવા આઈટીઆર ફોર્મ રજૂ કર્યું છે. જો કોઈ મામલો તપાસ માટે યોગ્ય માનવામાં આવશે તો કરદાતાને તમામ બિલ અને દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. વર્તમાન સરકારની ઈનકમ ટેક્સ પોલિસીનું ડેટા ઈન્ટેલિજન્સ પણ એક ઉદ્દેશ્ય છે.
સીબીડીટીએ પ્રોજેક્ટ ઈનસાઈટનો ઉપયોગ કરવાનું પણ શરુ કરી દીધું છે. જે હેઠળ કરદાતાની 360 ડિગ્રી પ્રોફાઈલિંગ થશે. આ ઉપરાંત સરકારે નવા આઈટીઆર ફોર્મમાં કેટલાક મહત્વના ફેરફાર પણ કર્યા છે. કરદાતાઓએ અન્ય સ્ત્રોત કોલમ અંગે પણ વિસ્તૃત જાણકારી આપવી પડશે. આ સ્થિતિમાં જો તમે કોઈ કંપનીના ડાયરેક્ટર હોવ અને તમે નોન રજિસ્ટર ઈક્વિટી શેરમાં રોકાણ કર્યું છે તો, તમને આઈટીઆર 1 ફોર્મ ભરવાની મંજૂરી નહીં હોય.