બજેટ વિશેષઃ દેશના ખેડૂતોના રોષને ઠંડો પાડવા બજેટમાં પ્રયાસ: મયૂર મહેતા (કોમોડિટી ક્ષેત્રના નિષ્ણાત)

મયૂર મહેતા

મુંબઈ – નરેન્દ્ર મોદી સરકારના પાંચ વર્ષના શાસનનું છેલ્લું બજેટમાં તમામ વર્ગને ખુશ કરવાનો પ્રયાસ કરાયો છે. ખાસ કરીને દેશના ખેડૂતોમાં ભારે નારાજગી હોઇ બજેટમાં ખેડૂતોને રોકડ રકમમાં સહાય આપવાની આકર્ષક સ્કીમની જાહેરાત કરાઇ હતી જો કે બજેટ અગાઉ ખેડૂતોને માટે બહુ જ આકર્ષક અને મોટી જાહેરાત કરાશે તેવી હવા મિડિયામાં જમાવવામાં આવી હતી. આ પ્રત્યાઘાત કોમોડિટી ક્ષેત્રના નિષ્ણાત મયૂર મહેતાએ આપ્યા છે.

 

મહેતાનું કહેવું છે કે, ખેડૂતોને મોટી રોકડ રકમ સબસિડી સ્વરૂપે સીધા તેના ખાતામાં જમા થાય તેવી કોઇ જાહેરાત કરાશે તેવી પૂરેપૂરી શક્યતા બતાવવામાં આવી હતી. ખેડૂતોને સસ્તા વ્યાજદરે લોન મળે તે માટેના નાણાની ફાળવણી ૧૨ લાખ કરોડ રૂપિયા સુધી કરવાની પણ ધારણા હતી. અગાઉના બજેટમાં જેમ પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, દિનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, પશુધન સંજીવની યોજના, ગ્રામિણ એગ્રીકલ્ચર માર્કેટયાર્ડ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (ઇ-નામ) જેવી નવી અનેક યોજનાઓ પણ આ બજેટમાં મૂકાશે તેવી ધારણા હતી પણ તેની બદલે જાણે કે કોઇ મોટો માસ્ટરસ્ટ્રોક માર્યો હોઇ તેમ બે હેકટરથી ઓછી જમીન ધરાવતાં ખેડૂતોને વર્ષે ૬૦૦૦ રૂપિયાની રોકડ સહાય આપવાની કિશાન સન્માન નિધિ યોજના જાહેર કરીને દેશના ૧૨ કરોડ કિશાન પરિવારોને મદદ કરવાની યોજના જાહેર કરાઇ હતી. મોદી સરકારના અગાઉન બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી કરતી મોટી સ્કીમો જાહેર થઇ હતી પણ તેનો લાભ ખેડૂતો સુધી પહોંંચ્યો નહતો. આ કસર પૂરી કરવા રોકડ સહાય આપવાનો અમલ બે મહિના અગાઉ એટલે કે તા.૧ ડિસેમ્બર, ૨૦૧૮થી કરવાની જાહેરાત કરાઇ હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય ગોકુલ મિશન, રાષ્ટ્રીય કામધેનું આયોગ, કુદરતી આફતમાં ફસાયેલા ખેડૂતોને વ્યાજમાં પાંચ ટકા સુધીની છુટ, કિશાન ક્રેડીટ કાર્ડમાં બે ટકાની વ્યાજમુક્તી અને પશુપાલન માટે ખેડૂતોને વ્યાજમાં બે ટકાનો લાભ આવી કેટલીક યોજનાઓ જાહેર કરી હતી.

જે ખેડૂતો પાસે જમીન નથી અને ભાગિયા તરીકે જ ખેતી કરી રહ્યા છે તેવા વર્ગને રાહત આપવાની વાત થોડા દિવસથી થઇ રહી છે પણ બજેટમાં આવા વર્ગને કોઇ રાહત અપાઇ નથી. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનામાં અનેક ખામીઓ રહેલી છે. ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાંથી કોઇપણ પ્રકારની જાણ વગર  કંપનીઓ પ્રિમિયમના નાણા લઇ જાય છે, ખેડૂતોને તેના પ્રિમિયમની પહો્ંચ કંપનીઓ આપતી નથી. નવાઇની વાત એ છે કે જ્યારે વિમાનું દાવો રજૂ કરવામાં આવે ત્યારે કંપનીઓ જૂદા જુદા બહાના કાઢીને નાણા આપવામાં ગલ્લા-તલ્લાં કરે છે તેવી વ્યાપક ફરિયાદોનું નિવારણ થાય તેવી માગણી લાંબા સમયથી થઇ રહી હતી પણ તે અંગે પણ કોઇ જાહેરાત થઇ નથી.

મધ્યમવર્ગીય અને નોકરિયાતોને ઇન્કમટેક્સમાં મુક્તિની મર્યાદા વધતાં ખાદ્યપદાર્થોની અને કપડાની ખરીદશક્તિ વધતાં તેનો ફાયદો આવનારા દિવસોમાં માર્કેટમાં જોવા મળશે. ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતી ચીજોની ખરીદી વધતાં તેનો ફાયદો ખેડૂતોને યેનકેન પ્રકારે થશે. કૃષિ પેદાશોના ભાવ વધતાં તેનો ફાયદો પણ ખેડૂતોને મળશે. હાલ કૃષિ પેદાશોની બજારમાં ભાવ ઘણા જ નીચા હોઇ ખેડૂતોને નુકશાન જઇ રહ્યું છે. બજેટની જાહેરાતથી બે-ત્રણ મહિનામાં કોમોડિટી બજારોમાં તેજી આવતાં તેનો ફાયદો ખેડૂતોને થશે.

કોમોડિટી સેકટરમાં ખાદ્યતેલોની ઇમ્પોર્ટ ડયુટીની વિસંગતતાં દુર કરવી, ગોલ્ડ પોલિસી, કોમોડિટી ટ્રાન્ઝેકશન ટેક્સ નાબુદ કરવો, સોનાની ઇમ્પોર્ટ ડયુટી ઘટાડવી, સોનાની બે લાખ રૂપિયાથી વધુ ખરીદી પર ફરજિયાત પાનકાર્ડ રજૂ કરવાની લિમિટ પાંચ લાખ રૂપિયા સુધી કરવાની માગણી અંગે કોઇ નિર્ણય લેવાયો નહોતો. ટૂંકમાં કોમોડિટી સેકટર માટે બજેટમાં કોઇ જાહેરાતો થઇ નથી.